અમરેલી

‘ એક્સપોર્ટ ક્વોલિટી’નું લેબલ માત્ર આકર્ષણ કે ગુણવત્તાની ગેરંટી? સ્થાનિક બજારોમાં વેચાતા બોક્સ પાછળનું વરવું સત્ય.

​આજે સ્થાનિક બજારોમાં કાચી કેરીના આકર્ષક બોક્સ જોઈને કોઈપણ ગ્રાહક અંજાઈ જાય તે સ્વાભાવિક છે. સિંહના ચિત્રો અને ચમકદાર પેકિંગ સાથે બોક્સ પર મોટા અક્ષરે લખેલું હોય છે: ‘એક્સપોર્ટ ક્વોલિટી’. પરંતુ આ ચમકતા શબ્દો પાછળનું સત્ય કેટલું પોકળ છે, તે તાજેતરની વૈશ્વિક ઘટનાઓ જોતા સમજી શકાય છે. ભારતભરમાં કોઈપણ જાતના કડક માપદંડ વિના ‘એક્સપોર્ટ ક્વોલિટી’ શબ્દનો ઉપયોગ એટલા હળવા મિજાજથી થઈ રહ્યો છે કે તે હવે માત્ર ગ્રાહકોને આકર્ષવાનું એક સાધન બની ગયો છે.

​જ્યારે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ ત્યારે ખબર પડે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ‘એક્સપોર્ટ ક્વોલિટી’ના પેરામીટર ખૂબ જ કડક હોય છે. તેમાં જંતુનાશકોના અવશેષો (Pesticide Residues), ફ્રુટ ફ્લાય (ફળોની માખી)ની હાજરી, કદ, વજન અને વેપર હીટ ટ્રીટમેન્ટ (VHT) જેવા અનેક ટેકનિકલ માપદંડો ચકાસવામાં આવે છે.

​તાજેતરમાં જ જાપાન જેવા વિકસિત દેશે ભારતીય કેરીના જથ્થામાં નિર્ધારિત ધોરણોનું પાલન ન થવાને કારણે આખો જથ્થો રિજેક્ટ કરીને પરત મોકલી દીધો હતો. આટલું જ નહીં, આપણો પડોશી દેશ નેપાળ, જેને આપણે પ્રમાણમાં નાનો દેશ ગણીએ છીએ, તેણે પણ ભારતીય કેરીની આયાત સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. આ ઘટનાઓ આપણી ગુણવત્તા નિયંત્રણ પ્રણાલી સામે બહુ મોટો સવાલિયા નિશાન ખડો કરે છે.

​ભારતીય બજારની નબળી કડી અને ગ્રાહકો સાથે છેતરપિંડી

​વિદેશોમાં જે માલ રિજેક્ટ થાય છે અથવા તો જે માલ એક્સપોર્ટના ધારાધોરણો પર ખરી ઉતરતી જ નથી, તેને સ્થાનિક બજારમાં ‘એક્સપોર્ટ ક્વોલિટી’નું મોહક લેબલ લગાવીને વેચી દેવામાં આવે છે. અન્ય દેશોમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ગુણવત્તાના નામે કાયદાઓ ખૂબ કડક છે, જ્યારે આપણા દેશમાં આવા લખાણો પર કોઈ કાનૂની સકંજો નથી. કોઈપણ સામાન્ય વેપારી કે પેકેજિંગ કરનાર વ્યક્તિ બોક્સ પર આ શબ્દો સાહજિકતાથી છાપી શકે છે, જે ભારતીય ગ્રાહકો સાથે એક પ્રકારની સાહજિક છેતરપિંડી છે.

આપણી ભારતીય પરંપરા ‘શ્રેષ્ઠતા’ અને ‘પ્રામાણિકતા’ના પાયા પર ટકેલી હતી. આજે જે વસ્તુ પોતાના જ દેશના નાગરિકોને ખવડાવવાની છે, તેના માટે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા કેમ જાળવી શકતા નથી? શા માટે આપણે માત્ર વિદેશ મોકલવા માટે જ ‘શ્રેષ્ઠ’ હોવાનો દાવો કરવો પડે છે અને તે પણ માત્ર કાગળ પર?

​આ સિસ્ટમમાં રાતોરાત બદલાવ આવવો મુશ્કેલ છે, પરંતુ ગ્રાહક તરીકે આપણે જાગૃત થવાની જરૂર છે. બોક્સ પરના આકર્ષક સિંહના ચિત્રો કે ‘એક્સપોર્ટ ક્વોલિટી’ના ભ્રામક લખાણોથી અંજાયા વગર, ફળની અસલી ગુણવત્તા તપાસીને જ ખરીદી કરવી જોઈએ. સરકારે પણ સ્થાનિક બજારમાં વેચાતી ખાદ્યસામગ્રી પર આવા શબ્દોના બેફામ ઉપયોગ પર નિયંત્રણો લાધવા જોઈએ, જેથી કરીને ‘મેક ઇન ઇન્ડિયા’ની સાચી બ્રાન્ડ વેલ્યુ જળવાઈ રહે.

Related Posts