અમરેલી

ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ વાંકિયા, ગાવડકા અને કમીગઢમાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી જ્ઞાનદિપ પ્રજવલ્લિત કરાવ્યો

ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને અમરેલી તાલુકાના વાંકિયા, ગાવડકા અને કમીગઢ ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશ મેળવનારા ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવી તેમના શૈક્ષણિક જીવનની નવી શરૂઆત કરાવવામાં આવી હતી. વાંકિયા ખાતે ધોરણ-૯ અને ધોરણ-૧૧માં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પણ શાળાપ્રવેશ અપાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વાંકિયા સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે આંગણવાડીમાં ૧૬, બાલવાટિકામાં ૪૩, ધો.૦૧માં ૦૨, માધ્યમિક શાળામાં ધો. ૦૯માં ૪૯ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધો. ૧૧માં ૩૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ગાવડકા મુકામે આંગણવાડી, બાલવાટીકા, ધો.૦૧માં ૨૯ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે કમીગઢ ખાતે ૩૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. 

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પૂર્વે શરૂ કરાવેલી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની પરંપરાએ ગુજરાતના શિક્ષણક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવ્યું છે. આજે સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તેમજ રાજ્યના વરિષ્ઠ સનદી અને પોલીસ અધિકારીશ્રીઓ ગામડે ગામડે જઈ બાળકોને શાળામાં પ્રવેશ અપાવી જ્ઞાનનો દીપ પ્રજ્વલિત કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં આધુનિક સુવિધાસભર શાળા મકાનો, ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થા અને લાયકાત ધરાવતા શિક્ષકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ વિદ્યાર્થીના જીવનરૂપી ઈમારતનો પાયો છે. પાયો મજબૂત હશે તો જીવનનું ચણતર પણ મજબૂત બનશે. તેથી બાળકોને પ્રાથમિક સ્તરેથી જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શિક્ષણ વિભાગની સમગ્ર ટીમ શિક્ષણમંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમ્નસિંહ વાજાના નેતૃત્વમાં સઘન કામગીરી કરી રહી છે. અમરેલી જિલ્લામાં શિક્ષણ વિભાગના સતત પ્રયત્નોના પરિણામે ગત વર્ષે શાળા છોડી દેનારા ૪૪૨૦ વિદ્યાર્થીઓ પૈકી ૨૬૦૨ વિદ્યાર્થીઓનું પુનઃનામાંકન કરવામાં સફળતા મળી છે. સહિયારા પ્રયાસોથી આગામી એક-બે વર્ષમાં અમરેલી જિલ્લાનો શાળાનો ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય સુધી પહોંચશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

મંત્રીશ્રીએ શિક્ષણ સાથે સંસ્કારના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, સંસ્કાર અને શિક્ષણ એક સિક્કાની બે બાજુ છે. માત્ર શિક્ષણ પ્રાપ્ત કરવું જ પૂરતું નથી, પરંતુ બાળકમાં સારા સંસ્કારોનું સિંચન પણ એટલું જ જરૂરી છે. વાલીઓએ બાળકો સાથે શાળાના સમય બાદ દરરોજ ઓછામાં ઓછો એક કલાક અભ્યાસ, શાળાની પ્રવૃત્તિઓ અને જીવનમૂલ્યો અંગે ચર્ચા કરવી જોઈએ. તેનાથી બાળકના અભ્યાસની પ્રગતિની જાણકારી મળશે અને તેના વ્યક્તિત્વમાં સંસ્કારનું ઘડતર થશે.

તેમણે વાલીઓને વિદ્યાર્થીઓની સામે મોબાઇલ ફોનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ કરી હતી. ટેકનોલોજી સાથે સંવેદનાનો સમન્વય સાધી આધુનિક અને સંવેદનશીલ બાળકનું ઘડતર થાય તે માટે વાલીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજ્યમંત્રીશ્રીએ પર્યાવરણ જતન, વીજળી બચત, વૃક્ષારોપણ અને વાવવામાં આવેલા વૃક્ષોની સંભાળ રાખવાનો સંદેશ પણ આપ્યો હતો. બાળકોમાં નાની ઉંમરથી જ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વિકસે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવમાં પ્રથમ વખત ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે રાજ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમોનું સતત પાલન કરવા અને પોતાના પરિવારજનોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવા સૂચન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ, દાતાઓ અને શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જ્ઞાન સાધના સ્કોલરશીપ, નમો સરસ્વતી યોજના અને નમો લક્ષ્મી યોજના જેવી રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓના લાભાર્થી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તમામ સ્થળોએ શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વાંકિયા મુકામે જિલ્લા પંચાયતના સભ્યશ્રી આશિષભાઈ અકબરી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, નાગજીભાઈ, શાળાના ટ્રસ્ટીશ્રી વિનુભાઈ રાદડીયા, સરપંચશ્રી નયના બહેન, શાળા સંચાલન સમિતિના સભ્યો, ટ્રસ્ટીઓ, ગાવડકા ખાતે જિલ્લા પંચાયતના સભ્યશ્રી આશિષભાઈ અકબરી,શ્રી, નિકુલભાઈ માંડણકા,શ્રી જયસુખભાઈ કસવાળા, કમીગઢ ખાતેશ્રી સંદિપભાઈ સોલંકી, શ્રી જયસુખભાઈ, શ્રી દયાબહેન ગોઝારીયા, શ્રી, મધુભાઈ, શ્રી જયેશભાઈ, શ્રી દિનેશભાઈ, શ્રી દલપતભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts