અમરેલી

સાવરકુંડલા તાલુકામાં ધારાસભ્ય ના હસ્તે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નો શુભારંભ કરવામાં આવ્યો

સાવરકુંડલા તાલુકામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના હસ્તે ડેડકડી, મઢડા અને વીજપડી ગામની શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬’નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ શિક્ષણ રૂપ સેવાયજ્ઞ ના ભાગરૂપે તાલુકાના વિવિધ શાળાઓમાં નવા પ્રવેશી વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.  ડેડકડી ગામે પ્રાથમિક શાળા તેમજ લોકશાળામાં નવ પ્રવેશી ભૂલકાઓને જ્ઞાનના પવિત્ર ધામમાં આવકારવામાં આવ્યા હતા. મઢડા ગામે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
વિજપડી ગામ ખાતે આવેલ વી.ડી. નગદિયા માધ્યમિક શાળા તેમજ વિજપડી પે સેન્ટર શાળામાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી અર્પણ કરી તેનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે ધારાસભ્ય એ જણાવ્યું હતું કે દેશના ભવિષ્ય સમાન બાળકોના ચહેરા પરનું સ્મિત અને શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ સમાજ માટે પ્રેરણારૂપ છે. ખાસ કરીને દીકરીઓનું શિક્ષણ સશક્ત અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે અત્યંત આવશ્યક છે. “દીકરી ભણે, દેશ આગળ વધે”ના સંદેશ સાથે સૌએ શિક્ષણના આ મહાયજ્ઞને વધુ મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માં  શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. 

તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts