અમરેલી

GRD જવાનો સાથેના ભેદભાવ અને તેમના વેતનના પ્રશ્ને ‘હ્યુમન રાઈટ્સ ફેડરેશન’ દ્વારા સરકારને રજૂઆત

રાજકોટ: ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અહમ ભૂમિકા ભજવતા GRD (ગ્રામ રક્ષક દળ) જવાનોની અવગણના અને તેમના શોષણ અંગે ‘હ્યુમન રાઈટ્સ ફેડરેશન’ (Human Rights Federation Inc) દ્વારા ગંભીર રજૂઆત કરવામાં આવી છે. સંસ્થાના ફાઉન્ડર અને પ્રમુખ મહેન્દ્ર આયાલાણી એ રાજ્ય સરકાર અને નાયબ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે.

​આ અંગે પ્રેસ સાથે વાત કરતા મેહેન્દ્ર આયાલાનીએ સ્પષ્ટ શબ્દોમાં સવાલ ઉઠાવ્યો હતો કે, “શું સરકાર GRD જવાનોને ટ્રાફિક બ્રિગેડ કે અન્ય સુરક્ષા કર્મચારીઓ કરતા નીચા ગણે છે?” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે GRD જવાનો પણ રાજ્યની સુરક્ષામાં ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે, ત્યારે તેમના વેતનમાં ભેદભાવ કેમ? સમયસર વેતન ન મળવું અને અન્ય દળોની સરખામણીએ ઓછું વેતન ચૂકવવું એ તેમના આત્મસન્માન અને માનવ અધિકારોના સંદર્ભમાં વિચારવા જેવો વિષય છે.

​’હ્યુમન રાઈટ્સ ફેડરેશન’ એ સરકાર સમક્ષ ભારપૂર્વક માંગણી કરી છે કે:

૧. GRD જવાનોને દર મહિને નિયત તારીખે વેતન ચૂકવવામાં આવે.

૨. વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને તેમના વેતનમાં તાત્કાલિક અને સન્માનજનક વધારો કરવામાં આવે.

૩. વિવિધ સુરક્ષા દળો વચ્ચે રહેલા વેતન અને સુવિધાઓના ભેદભાવને દૂર કરી તેમને યોગ્ય સન્માન અને ગૌરવ આપવામાં આવે.

​’હ્યુમન રાઈટ્સ ફેડરેશન’ અપેક્ષા રાખે છે કે સરકાર GRD જવાનોની આ વ્યાજબી માંગણીઓનો સત્વરે સકારાત્મક ઉકેલ લાવશે.

Related Posts