ચાલુ ચોમાસુ સીઝનમાં મગફળીના પાકને રોગ અને જીવાતોથી બચાવવા માટે ખેડૂતોએ વાવણી પહેલાં તેમજ વાવણી સમયે કેટલાક ખાસ વૈજ્ઞાનિક અને વ્યવસ્થાપકીય પગલાં લેવા અનિવાર્ય છે. સૌથી પહેલાં ખેતીમાં પાક ફેરબદલી અપનાવવી જરૂરી છે, એટલે કે એકની એક જમીનમાં સતત મગફળીનું વાવેતર કરવું જોઈએ નહીં. ખેતરમાં માત્ર સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરોનો જ ઉપયોગ કરવો અને વાવણી માટે હંમેશાં સારી ગુણવત્તાવાળા તેમજ નુકસાન વગરના તંદુરસ્ત બીજ જ પસંદ કરવા. મગફળી ફોલ્યા પછી તેના બીજને ક્યારેય ભેજવાળી જગ્યાએ ન રાખવા જેથી તેમાં ફૂગ ન લાગે.
મગફળીમાં જોવા મળતા થડના કોહવારા રોગના નિયંત્રણ માટે પ્રતિ હેક્ટરે ૨.૫ કિલોગ્રામ ટ્રાયકોડર્મા હારજીયાનમ દવાનો ઉપયોગ કરવો હિતાવહ છે. જમીનમાં વાવેતર કરતી વખતે ચાસમાં ૧૦૦ કિલોગ્રામ એરંડાના ખોળ અથવા દેશી ખાતર સાથે આ ફૂગનાશક આપવું જોઈએ. જે ખેડૂતો મગફળીના પાકની પ્રાકૃતિક ખેતી કરે છે, તેમણે મગફળીના બીજને વાવતા પહેલાં બીજામૃતથી સંસ્કારિત કરવા (બીજામૃતનો પટ આપવો) અને ત્યારબાદ તે બીજને છાંયડામાં સૂકવીને જ વાવેતર કરવું.
પાકમાં નુકસાન કરતી ચૂસિયા પ્રકારની જીવાતો જેવી કે મોલોમશી, સફેદમાખી, તડતડીયાં, લાલ કથીરી અને થ્રિપ્સના સંકલિત નિયંત્રણ માટે બીજને જંતુનાશક દવાઓની માવજત આપવી ખૂબ જ જરૂરી છે. આ માટે ઇમિડાક્લોપ્રિડ ૬૦૦ એફ.એસ. દવા ૩ ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યુ.એસ. દવા ૧ ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ પ્રમાણ રાખીને બીજ માવજત (પટ) આપીને જ વાવેતર કરવું.
વધુમાં, ખેડૂતોને ખાસ જણાવવામાં આવે છે કે દવાના વપરાશ વખતે તેના લેબલ પર આપેલ સૂચના મુજબ જ જે-તે પાક અને રોગ-જીવાત માટે ભલામણ કરેલ યોગ્ય ડોઝનો જ ઉપયોગ કરવો. આ અંગે વધુ ટેકનિકલ માર્ગદર્શન કે જાણકારી મેળવવા માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ/તાલીમ)નો સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

















Recent Comments