અમરેલી

રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને અમરેલી, કોલડા અને ઈશ્વરીયા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી

રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને અમરેલી બહારપરા કન્યા પ્રાથમિક શાળા, કુંકાવાવ તાલુકાના કોલડા તથા અમરેલી તાલુકાના ઈશ્વરીયા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ઈશ્વરીયા મુકામે આંગણવાડીમાં ૨૭, બાલવાટીકામાં ૩૮, ધો. ૦૧ ૪૩માં, ધોરણ ૦૬માં ૬૪ અને ધો. ૦૯માં ૪૮ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ સરકારી પ્રાથમિક શાળાઓ અને તેના શિક્ષણની ગુણવત્તા અંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ઈશ્વરીયા, કેરીયાનાગસ જેવી સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન મેળવવા માટે ઘસારો થાય છે. શહેરના વિદ્યાર્થીઓ પણ આ ગામડાની શાળામાં ભણાવા માટે આવે છે. ઈશ્વરીયાના વતની અને રાજકોટના સાંસદશ્રી પરશોત્તમભાઈ રૂપાલાથી લઈ અને અનેક ક્ષેત્રના મહાનુભાવોએ સરકારી પ્રાથમિક શાળામાંથી શિક્ષણ મેળવી અને જીવના તમામ ક્ષેત્રોમાં સફળતા મેળવી છે. વાલીઓ સરકારી શાળાઓ પ્રત્યે અભિગમ બદલી રહ્યા છે.

રાજ્યમંત્રીશ્રીએ કોલડા મુકામે નવનિર્મિત સરકારી પ્રાથમિક શાળાના અદ્યતન અને સુવિધાસભર ભવનનું લોકાર્પણ કર્યું હતું. અંદાજિત રૂ. ૧.૧૦ કરોડના ખર્ચે આકાર પામેલા આ ભવનમાં બાળકોને મજબૂત આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ગુણવત્તાસભર શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થશે. ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સ્માર્ટ બોર્ડ સહિતની આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત કોલડા સરકારી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકામાં કુલ ૦૭ ભૂલકાઓને તેમજ આંગણવાડીમાં કુલ ૦૫ બાળકોને ઉમળકાભેર પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે કોલડા ગામના સરપંચશ્રી ભરતબાપુ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, શાળાના આચાર્યશ્રી હસમુખભાઈ ઝુલાસણા સહિત શિક્ષકગણ, વાલીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઈશ્વરીયા ખાતે જિલ્લા પંચાયતના સભ્યશ્રી ગાંગડીયા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, તાલુકા પંચાયતના સભ્યશ્રી આશિષભાઈ દેવમુરારી, ઇશ્વરીયા સહકારી મંડળીના પ્રમુખશ્રી ધીરુભાઈ રૂપાલા, સરપંચશ્રી બાબુભાઈ વાજા ઉપસ્થિત રહ્યા હતા.

બહારપરા કન્યા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તુષારભાઈ જોશી, નગરપાલિકાના સભ્યશ્રી જેંતીભાઈ ઘાનાણી, સાશનાધિકારીશ્રી આશિષ જોશી, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, આચાર્યશ્રી હિતેશભાઈ અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts