શિક્ષણ, સંસ્કાર અને માનવસેવાના ત્રિવેણી સંગમ સમાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા દ્વારા દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિનામૂલ્યે નેત્ર નિદાન યજ્ઞની પરંપરા આજે પણ ઉત્સાહભેર આગળ ધપી હતી. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં આજે સંસ્થા ખાતે ૩૪૯મા વિનામૂલ્યે મહાનેત્ર નિદાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિવિધ વિસ્તારના અનેક જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.
નેત્રયજ્ઞનો પ્રારંભ સંસ્થાના વડા પરમ પૂજ્ય શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામીના આશીર્વાદ સાથે થયો હતો. જૂનાગઢથી વિશેષ પધારેલા પૂજ્ય પૂર્ણ પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, ગુરુકુળના પરમ સ્નેહી અને જાણીતા ભાગવત કથાકાર શ્રી જોષીદાદા, વિરનગર હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરશ્રીઓ, ગુરુકુળ હોસ્પિટલના ડૉ. નિલેશભાઈ ત્રિવેદી તેમજ વ્યાસ સાહેબ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સંસ્થાના કોઠારી પૂજ્ય અક્ષરમુક્તદાસજી સ્વામીના કુશળ માર્ગદર્શન હેઠળ સમગ્ર કેમ્પનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ નેત્રરોગ નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી. કેમ્પ દરમિયાન:
કુલ ૭૭ દર્દીઓની આંખોનું બારીકાઈથી પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં
૦૯ દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા, તેમને સંસ્થા દ્વારા સંપૂર્ણ વિનામૂલ્યે ઓપરેશન માટે વિરનગર આંખ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.અન્ય તમામ જરૂરિયાતમંદ દર્દીઓને સંસ્થા તરફથી વિનામૂલ્યે દવાઓ અને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દાતાઓનો પ્રેરણાદાયી સહયોગ
આ પુણ્યશાળી કાર્યના મુખ્ય યજમાનપદે ગામ માધાપર (કચ્છી), હાલ લંડન નિવાસી શ્રીમતી રમાબેન ગોવિંદભાઈ હાલાઈ તથા શ્રી વિશ્રામભાઈ નાનજીભાઈ લાછાણી રહ્યા હતા. તેમના આર્થિક સહયોગથી સેવાનો આ યજ્ઞ સફળ બન્યો હતો.
ગુરુકુળના સંતો, કર્મચારીઓ અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવીને કેમ્પને સફળ બનાવ્યો હતો. કેમ્પમાં આવેલા તમામ દર્દીઓને માત્ર તબીબી સારવાર જ નહીં, પરંતુ સંસ્થા તરફથી પ્રેમપૂર્વક ચા અને ગરમાગરમ જલેબી-ફાફડાનો સ્વાદિષ્ટ નાસ્તો પણ પીરસવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પણ જાતના ભેદભાવ વગર અવિરતપણે આ નેત્રસેવાનો મહાયજ્ઞ ચલાવી રહ્યું છે. આ કેમ્પો થકી હજારો ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને નવી દ્રષ્ટિ અને જીવન જીવવાની નવી આશા મળી રહી છે, જે સમગ્ર સમાજ માટે પરોપકારનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

















Recent Comments