અમરેલી

ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત વેચાણ કેન્દ્રનો પ્રારંભ

પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગ આપવા તેમજ અમરેલી જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને સંપૂર્ણ ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થાય અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળે તેવા શુભ હેતુથી અમરેલી શહેરમાં ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત વસ્તુઓના વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી નગરપાલિકા અને ABLL ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલા વેચાણ કેન્દ્રનો અમરેલી ખાતે નાગનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલા નવા બસ સ્ટેન્ડ ખાતે પ્રારંભ થયો છે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ વેચાણકેન્દ્રની મુલાકાત લઈ તેના થકી અમરેલી શહેરના અને જિલ્લાના નાગરિકોને મળનારા શુદ્ધ ખેત ઉત્પાદનો અને શાકાભાજી સહિતની ચીજવસ્તુઓની માહિતી મેળવી હતી તેમજ નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે સમગ્ર રાજ્યમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ વિસ્તાર માટે મિશન મોડમાં અભિયાન કાર્યરત છે. અમરેલી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં ઉત્સાહથી ભાગ લઈ રહ્યો છે.

આ વેચાણ કેન્દ્રમાં અમરેલી જિલ્લાના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત સંપૂર્ણ ઝેરમુક્ત અનાજ, કઠોળ, શાકભાજી, મસાલા, તેલ, ગોળ સહિતની વિવિધ કૃષિ પેદાશોનું સીધું વેચાણ કરવામાં આવશે. પરિણામે ગ્રાહકોને ગુણવત્તાસભર, વિશ્વસનીય અને આરોગ્યપ્રદ ઉત્પાદનો ઉપલબ્ધ થશે, જ્યારે ખેડૂતોને પોતાના ઉત્પાદનો માટે યોગ્ય બજાર અને વાજબી ભાવ પ્રાપ્ત થશે. આ વેચાણ કેન્દ્ર દરરોજ સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ કલાક તથા સાંજે ૪:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન કાર્યરત રહેશે.

આ પ્રસંગે ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, કે.જે. જાડેજા, સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી હર્ષિતા ગોયલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી મહેશ જીડ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી રાઠોડ સહિતના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts