કાઠિયાવાડની આગવી સોડમ અને સંસ્કાર ધરાવતા સાવરકુંડલા શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ એક અનોખો અને ભયાનક મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને છે— એ છે રખડતા ભટકતા આખલાઓ અને રસ્તા વચ્ચે જામતા તેમના લોહિયાળ યુદ્ધ. ભારતીય સંસ્કૃતિમાં જેને ભગવાન ભોળાનાથનું વાહન ‘નંદી’ માનીને પૂજવામાં આવે છે, તે જ આખલાઓ આજે વહીવટી તંત્ર અને સામાન્ય જનતા માટે જીવનું જોખમ બની ગયા છે.
આખલાઓનું યુદ્ધ એ સાવરકુંડલા માટે કોઈ નવી નવાઈની વાત નથી, પરંતુ રોજિંદી ઘટના બની ગઈ છે. જ્યારે બે કે ત્રણ આખલાઓ પોતાના વર્ચસ્વ અને સર્વાઇવલ માટે મસ્તિષ્ક પર ખૂન સવાર કરીને જાહેર રસ્તાઓ પર ઉતરી આવે છે, *ત્યારે આખેઆખા માર્ગો કોઈ પણ બેરિકેડ વગર બ્લોક થઈ જાય છે. આ સમયે શું રાજા, શું રંક, શું નેતા કે અભિનેતા શું એમએલએ શું સાંસદ શું મંત્રી શું સંત્રી —દરેક વ્યક્તિએ જીવ બચાવવા ભાગવું પડે છે.* કહેવત છે ને કે, “બે આખલા બાધે એમાં આમ આદમીનો ખો નીકળે.” આ યુદ્ધમાં અવારનવાર નિર્દોષ આબાલ-વૃદ્ધો અડફેટે ચડી જાય છે, ગંભીર ઈજાઓ પામે છે અને ક્યારેક તો મોતના મુખમાં પણ ધકેલાઈ જાય છે.
એક સમય હતો જ્યારે આ પશુઓ ખેતી અને માનવજીવનનો આધાર હતા. *પરંતુ કૂદકે ને ભૂસકે વધતી ટેક્નોલોજી અને મશીનરીએ આખલાઓનું સ્થાન લઈ લીધું, જેના કારણે આજે તેઓ રસ્તે રઝળતા થયા છે.* નવાઈની વાત એ છે કે આ જીવસટોસટની લડાઈ સામે પોલીસ તંત્ર પણ લાચાર બનીને હાથ હેઠા મૂકી દે છે, *કારણ કે આ વિષય તેમના કાર્યક્ષેત્રની બહારનો છે.*
માનવ જગતમાં પણ અમુક ખંધા રાજકારણીઓ આધિપત્ય જમાવવા જે *અપારદર્શક પેંતરાઓ રચે છે, તે કદાચ આ આખલા યુદ્ધ કરતાં પણ વધુ ઘાતક હોય છે.* પરંતુ આખલાઓનું યુદ્ધ તો થોડા દિવસ અખબારની હેડલાઇન બન્યા પછી લોકમાનસમાં સામાન્ય બની જાય છે અને સમસ્યા એની એ જ રહે છે.
*વધતી જતી વસ્તીના કારણે આજે માણસો માટે જ જમીન ટૂંકી પડી રહી છે, ત્યાં આવા ઘાતકી બનતા પશુઓને નાથવા, તેમના માટે અલાયદી ગૌશાળા કે સારવારની વ્યવસ્થા કરવી એ મોટો પડકાર છે.* આ કડવા સત્ય વચ્ચે એવું લાગે છે કે હવે કોઈ ‘અવતાર પુરુષ’ જ આવીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે!
જો વહીવટી તંત્ર આ ગંભીર બાબતે આંખ આડા કાન કરવાનું ચાલુ જ રાખશે, તો આ સમસ્યા ક્યારેય નહીં ઉકેલાય. અંતે એટલું જ કે, જો કોઈને *પાવર અને શક્તિ પ્રદર્શનના જીવંત ખેલ સરાજાહેર નિહાળવા હોય, તો અમારા કાઠિયાવાડના સાવરકુંડલા પંથકમાં પધારો!* અહીંના રસ્તાઓ પર તમને ક્યાંકને ક્યાંક આ ‘આખલા યુદ્ધ’ લાઈવ જોવા મળી શકે ખરા.
નોંધ ‘હા, દક્ષિણ ભારતના તામિલનાડુમાં પોંગલ (મકરસંક્રાંતિ) પર્વ પર જલ્લીક્ટ્ટુ નામનો ઉત્સવ ઉજવવામાં આવે છે એમાં આખલાઓને ખુલ્લા મેદાનમાં છોડી દેવામાં આવે છે અને યુવાનો તેની ખૂંધ પકડીને તેને કાબૂમાં લેવા માટે સાથે દોડે પણ છે અને આ ભાગદોડમાં ઘણા ઘાયલ પણ થાય છે અને કોઈવાર મૃત્યુ પણ પામે છે
આ વિસ્તારના લોકો તેને પશુ પ્રત્યેનું સન્માન અને શક્તિ પ્રદર્શનનો અવસર પણ ગણે છે

















Recent Comments