સાવરકુંડલા શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા આખલાઓનો ત્રાસ અસહ્ય બની ગયો છે. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં આખલાઓના ટોળેટોળાં જમાવડો કરીને નિર્દોષ રાહદારીઓ તેમજ વાહનચાલકોને અડફેટે લઈ રહ્યા છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. આ ગંભીર જનસમસ્યા અંગે વોર્ડ નં. ૬ ના નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક લેખિત પત્ર પાઠવીને તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે, શહેરના ભરચક ગણાતા વિસ્તારો જેવા કે:
વિદ્યુતનગર સોસાયટી અને હાથસણી રોડ
નેસડી રોડ અને મેઘજી પેથરાજ છાત્રાલય વાળો રસ્તો
દેવળા ગેઈટ અને શાકમાર્કેટ વિસ્તાર
મણીભાઈ ચોક સહિતના મુખ્ય માર્ગો
આ તમામ વિસ્તારોમાં આખલાઓ (ખુટીયા)નો ઉપદ્રવ અત્યંત વધી ગયો છે. આખલાઓ પરસ્પર લડતા હોવાથી અનેક રાહદારીઓ પછડાટ ખાઈને ઈજાગ્રસ્ત થયા છે અને નાના-મોટા અકસ્માતો રોજિંદી ઘટના બની ગયા છે.
સવાર, સાંજ અને રાત્રિના સમયે આખલાઓ રસ્તાની વચ્ચોવચ અડિંગો જમાવીને બેસતા હોવાથી શાળાએ જતા નિર્દોષ બાળકો, વૃદ્ધો અને મહિલાઓ ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. સમગ્ર શહેરમાં હાલ ભયનો માહોલ વ્યાપી ગયો છે.
નગરપાલિકા સદસ્યએ નગરપાલિકાના નિયમોનો હવાલો આપતા માંગ કરી છે કે, ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૧૮૩ અને ૨૬૮ હેઠળ પાલિકા પોતાની સત્તાનો ઉપયોગ કરે. શહેરમાં આતંક મચાવતા આખલાઓને તાત્કાલિક પકડીને પાંજરે પૂરવામાં આવે. આ સાથે જ, ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ઊભી ન થાય તે માટે નગરપાલિકા દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને આખલા પકડવાની સઘન ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવે.
અંતમાં, સમગ્ર શહેરના નાગરિકોની સુરક્ષા અને જાનમાલના રક્ષણને સર્વોચ્ચ અગ્રતા આપીને નગરપાલિકા તંત્ર આ બાબતે વિલંબ કર્યા વિના યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરે તેવી ઉગ્ર વિનંતી સહ ધર્મેન્દ્ર મહેતા દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

















Recent Comments