અમરેલી

સાવરકુંડલાના વોર્ડ નં.૬ ના નદી કાંઠા વિસ્તારમાં ચાર મહિનાથી ગટર કનેકશન કપાયેલ, ગંદુ પાણી નાવલી નદીમાં જતા આરોગ્યનું જોખમ – પાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાની તાત્કાલિક કાર્યવાહીની માંગ

 સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વિકાસના નામે કરાયેલ કામગીરી નાગરિકો માટે માથાનો દુખાવો બની છે. વોર્ડ નં.૬ ના નાવલી નદી કાંઠા વિસ્તારમાં નવી ગટર લાઇન નાખ્યા બાદ પણ જોડાણ ન અપાતા છેલ્લા ચાર મહિનાથી ગંદુ પાણી સીધું નદીમાં જઈ રહ્યું છે.!!! 

આ બાબતે સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ ચીફઓફિસરશ્રીને લેખિત ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું કે ઇન્દિરા વસાહત નદી કાંઠા વિસ્તાર, બીડી કામદાર સોસાયટી નદી કાંઠા વિસ્તાર અને સંત કબીર સોસાયટી નદી કાંઠા વિસ્તારમાં રહેતા નાગરિકોને અગાઉ જુની ગટર લાઇનનું જોડાણ હતું.

નગરપાલિકા દ્વારા નવી ગટર લાઇન નાખવામાં આવી, પરંતુ કામ પૂર્ણ કરતી વખતે આ વિસ્તારના તમામ ઘરોના જુના ગટર કનેકશનો કાપી નાખવામાં આવ્યા. છેલ્લા ચાર મહિનાથી નવી લાઇનમાં જોડાણ ન થતાં જુની લાઇનનું તમામ ગંદુ અને દુર્ગંધ મારતું પાણી ખુલ્લેઆમ નાવલી નદીમાં ઠલવાઈ રહ્યું છે.!! 

 ધર્મેન્દ્ર મહેતાએ જણાવ્યું કે, આના કારણે નદી કાંઠે રહેતા સેંકડો લોકોના આરોગ્યને ગંભીર જોખમ છે. *નદીનું પાણી પ્રદૂષિત થવા ઉપરાંત મચ્છર અને રોગચાળો ફેલાવાની શક્યતા પણ વધી છે.વળી ગુજરાતમાં તાજેતરમાં ચાંદીપુરાના વાયરસે પણ માથું ઊંચકયું છે એવી વેળાએ એક સભ્ય સમાજમાં આવું ગંદુ પાણી સરેઆમ નદીમાં ઠલવાઈ એ કેટલા અંશે વ્યાજબી કહેવાય..?* આમ તો આપણે નવલગંગાના નામથી નાવલીએ સન્માનિત કરતાં હોઈએ છીએ વળી નદીને માતા ગણીને તેની આરતી ઉતારવા સુધ્ધાંની ગુલાબી  વાતો કરતા હોઈએ ત્યારે આવું દુર્ગંધ મારતું માથું ફાડી નાખે એવું દુર્ગંધ ફેલાવતું ગંદુ પાણી નદીમાં જ ખુલ્લેઆમ વહેતું હોય એ આરોગ્ય માટે સંપૂર્ણ રીતે નુકસાનકારક હોય એ વાત પણ હેલ્થ અને સેનિટેશન માટે જાહેર વ્યવસ્થા માટે નોંધ લઈને યુધ્ધના ધોરણે કામગીરી કરવી જોઈએ એવું મંતવ્ય પણ શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે.. 

આ સંદર્ભે નગરપાલિકા સદસ્ય કે જેને હૈયે આ વિસ્તારના નાગરિકોનું હિત વસેલું હોય ત્યારે કોઈના  અળખામણા થઈને પણ આ વિસ્તારના નાગરિકો માટે નગરપાલિકા તંત્ર પાસે માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે તમામ કપાયેલા કનેકશનોને નવી ગટર લાઇન સાથે જોડવામાં આવે. જો શક્ય ન હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કરી ગંદુ પાણી નદીમાં ન જાય તેની વ્યવસ્થા કરવામાં આવે. આ બાબતને અગ્રતા આપી ૭ દિવસમાં નિકાલ કરવામાં આવે.. વળી લોકોમાં એવી ચર્ચાએ પણ જોર પકડયું છે કે વોર્ડ નંબર છ ના લોકપ્રશ્ર્નોને વાચા આપવા માટે આ સદસ્ય સતત પ્રયત્નશીલ રહે છે તો અન્યએ પણ આવી સમસ્યાના નિરાકરણ માટે આગળ આવવું જોઈએ કે નહીં? એવો અણિયાળો સવાલ બુધ્ધિજીવોમાં ચર્ચાઈ રહ્યો છે. 

પાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ એમ પણ જણાવ્યું કે આ અંગે ઇ-નગર પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જો સમય મર્યાદામાં નિકાલ ન થાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

Related Posts