ગુજરાત

કપાસના પાકમાં ચૂસિયા પ્રકારની જીવાત અને ઇયળોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ ખેડૂતોએ આટલું જરૂર કરવું

ખેડૂતો તેમના પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દરેક તબક્કે ખેડૂતોની પડખે છે. રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા સમયાંતરે વિવિધ પાકની વાવણી પહેલા અને બાદ શું કરવું અને શું ન કરવું તે અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે. જે અંતર્ગત કપાસ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી બાદ કઈ બાબતોનું ધ્યાન રાખવું? તે અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે.

કપાસમાં ચૂસિયા પ્રકારની જીવાતના વ્યવસ્થાપન માટે આટલું કરો:
• કપાસના ખેતરમાં પાન ખાનાર ઇયળ અને ગુલાબી ઇયળના ફૂદાની મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચ આકર્ષતા ફેરોમોન ટ્રેપ મૂકવા જોઇએ જેથી ઉપદ્રવના શરૂઆતની આગોતરી જાણ થાય. જો ખેતરમાં લાઈટની વ્યવસ્થા હોય તો પ્રકાશ પિંજર ગોઠવી મોટા પાયે ફૂંદીઓનો નાશ કરી શકાય.
• પાન ખાનાર ઈયળનાં ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ ઇયળ એકમ જરૂરી પાણીનાં જથ્થામાં ઉમેરી હેકટર વિસ્તારમાં છાંટવાથી આવી ઇયળોમાં રોગ લાગુ પડતા સારૂ નિયંત્રણ મળે છે.
• સફેદમાખી, તડતડિયાં, મોલો, થ્રીપ્સ, પાનકથીરીનાં ઉપદ્રવ વખતે તેમજ પાન ખાનાર ઇયળોનો ઉપદ્રવ થતાની સાથે સીધી જ રાસાયણિક દવાઓનો ઉપયોગ ન કરતા કોઈ પણ લીમડા આધારિત દવાઓ ૨૦ મિ.લિ.-૧ ઈસી થી ૪૦ મિ.લિ.- ૦.૧૫ ઇસી અથવા લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ – ૫ ટકા અર્ક અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના બેક્ટેરીયાનો પાવડર ૧૦-૧૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઇએ.
• ઓક્ટોબર માસના અંતથી લઈ કપાસની છેલ્લી વીણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળની ફૂદી માટેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા જોઇએ.
• નવેમ્બરના પ્રથમ સપ્તાહની શરૂઆતથી હેક્ટરે ૧.૫ લાખ ટ્રાઈકોગામા ભમરી અઠવાડીયાના ગાળે ૪-૫ વખત અને ડિસેમ્બરના પ્રથમ અને બીજા અઠવાડીયામાં હેક્ટરે ૧૦ હજાર પ્રમાણે લીલી પોપટીની ઈયળો છોડવાથી જૈવિક નિયંત્રણનો લાભ લઈ શકાય. કપાસનાં ખેતરમાં મકાઇની છાંટ નાખવાથી જીવાતના જૈવિક નિયંત્રકોની સંવર્ધન પ્રક્રિયામાં વધારો થાય છે.
• જીંડવા કોરી ખાનાર ઈયળો જ્યારે ક્ષમ્ય માત્રા વટાવે ત્યારે તેના નિયંત્રણ માટે ક્વિનાલફોસ ૨પ ઇસી ૨૦ મિ.લિ., ફેનવાલરેટ ૨૦ ઇસી ૧૦ મિ.લિ., એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૨ ગ્રામ, સ્પીનોસાડ ૪૫ એસસી 3 મિ.લિ., ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ., ફ્લુબેડીયામાઇડ ૪૮૦ એસસી ૩ મિ.લિ, પૈકી ગમે તે એક દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો જોઇએ. દરેક છંટકાવ વખતે દવા બદલવી જોઇએ.
• સફેદમાખી, તડતડિયા, મોલો, થ્રીપ્સનાં નિયંત્રણ માટે થાયાક્લોપ્રિડ ૪૮ એસસી ૫ મિ.લિ. અથવા ફ્લોનીકામાઈડ ૫૦ ડબલ્યુજી ૩ ગ્રામ, ડાયફેન્થ્યુરોન ૫૦ ડબ્લ્યુપી ૧૦ ગ્રામ, ફિપ્રોનીલ ૫ એસસી ૨૦ મિ.લિ., એસીફેટ ૫૦ ટકા + ઈમીડાક્લોપીડ ૧.૮ ટકા-૫૧.૮ એસપી- ૧૦ મિ.લિ., એસીફેટ ૨૫ ટકા + ફેનવાલરેટ ૩ ટકા – ૨૮ ઈસી- ૧૦ મિ.લિ. પૈકી કોઈપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઇએ.
• ખેત ઓજારો જેવા કે હળ, લાકડા કરબ, ટ્રેક્ટર વગેરેને ચીક્ટો ઉપદ્રવિત ખેતરમાં ઉપયોગ કર્યા પછી ખેતરમાં ખેડ કરવા જતાં પહેલાં પાણીનાં ફૂવારાથી બરાબર સાફ કરીને અથવા કીટનાશી દવાનો છંટકાવ કરી ઉપયોગ કરવો જોઇએ.
• કપાસના પાકમાં મિલીબગ ઉપર એનાસિયસ બમ્બાવાલે નામની ભમરીઓ ૪૦ થી ૭૦ ટકા પરજીવીકરણ કરે છે. ક્રિપ્ટોલેમસ મોન્ટુઝીરી અને બ્રુમસ સુચુરાલીસ નામના પરભક્ષી ઢાલીયા મિલીબગને ખાય છે. આવા કુદરતી નિયંત્રકોની હાજરી હોય ત્યારે ઝેરી કીટનાશી દવાનો છંટકાવ કરવાનું ટાળવું અને જરૂર જણાયતો લીમડા આધારીત દવાનો છંટકાવ કરવો.
• હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે વર્ટીસીલીયમ લેકાની અથવા બીવેરિયા બેસિયાના નામની રોગપ્રેરક ફુગ ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી સાંજના સમયે છંટકાવ કરવો જોઇએ.

આ દવાઓના વપરાશ સમયે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજી રાખવી જોઇએ. વધુ વિગતો મેળવવા ખેડૂતોએ તેમના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક – વિસ્તરણ અથવા નાયબ ખેતી નિયામક -તાલીમનો સંપર્ક કરવા ખેતી નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.

Related Posts