અમરેલી

સાવરકુંડલાના કે.કે. હાઈસ્કૂલ રોડ પર નવી પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત, અમરેલી એસ.પી. સંજય ખરાતની ઉપસ્થિતિમાં વિકાસને મળી નવી દિશા

સાવરકુંડલા શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે કે.કે. હાઈસ્કૂલ રોડ પર નવી પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, પાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા, અમરેલી જિલ્લા પોલીસ વડા (એસ.પી.) સંજય ખરાત, સ્થાનિક આગેવાનો તેમજ ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભૂમિપૂજન અને ખાતમુહૂર્તની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. મહાનુભાવોએ પોલીસ ચોકીના નિર્માણને શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવતું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. નવી પોલીસ ચોકી કાર્યરત બન્યા બાદ કે.કે. હાઈસ્કૂલ રોડ અને આસપાસના વિસ્તારોમાં પોલીસની હાજરી વધશે તેમજ નાગરિકોને ઝડપી અને સરળ પોલીસ સેવા ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે એસ.પી. સંજય ખરાતે જણાવ્યું હતું કે આધુનિક સુવિધાઓથી સજ્જ પોલીસ માળખું કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પોલીસ અને પ્રજા વચ્ચે વધુ સારો સંકલન ઉભો થાય અને લોકોની સુરક્ષા વધુ સુનિશ્ચિત બને તે દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને વધુ સારી સુરક્ષા અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. શહેરના વિકાસ સાથે સુરક્ષા વ્યવસ્થાનું સશક્તિકરણ પણ એટલું જ જરૂરી છે, અને નવી પોલીસ ચોકી તે દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, પાલિકાના સભ્યો, પોલીસ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, ગૌરવ અને જનભાગીદારીના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.

Related Posts