અમરેલી

અમરેલી જિલ્લામાં રાજ્યવ્યાપી યોગાસન સ્પર્ધા-૨૦૨૬નું આયોજન, સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૨૭ જુલાઈ સુધીમાં નોંધણી કરાવવી

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB) દ્વારા સમગ્ર રાજ્યમાં ‘યોગાસન સ્પર્ધા-૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અન્વયે અમરેલી જિલ્લા કક્ષાની સ્પર્ધા આગામી તારીખ ૦૧ અને ૦૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ યોજાનાર છે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બનનારા સ્પર્ધકોને ત્યારબાદ ઝોન કક્ષા અને અંતે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની સુવર્ણ તક મળશે.

આ સ્પર્ધાને વયજૂથના આધારે મુખ્ય ચાર વિભાગોમાં વહેંચવામાં આવી છે, જેમાં ૦૯ થી ૧૬ વર્ષ (કેટેગરી-૧), ૧૭ થી ૩૫ વર્ષ (કેટેગરી-૨), ૩૬ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો (કેટેગરી-૩) તેમજ GSYB કોચ અને ટ્રેનર (કેટેગરી-૪) નો સમાવેશ થાય છે. સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ઉત્સાહી સ્પર્ધકોને પ્રોત્સાહનરૂપે ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે, જ્યારે જિલ્લા સ્તરે વિજય મેળવનાર વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.

અમરેલી જિલ્લાના યોગ કોઓર્ડિનેટર સાગર મહેતા દ્વારા જિલ્લાની તમામ સરકારી તથા ખાનગી શાળાઓ, કોલેજો, સ્થાનિક યોગ કેન્દ્રો અને તમામ યોગપ્રેમી નાગરિકોને આ રાજ્યસ્તરીય યોગ અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાવા અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.  આ સ્પર્ધા માટે ઓનલાઈન નોંધણી કરવાની છેલ્લી તા. ૨૭ જુલાઈ, ૨૦૨૬ છે. રસ ધરાવતા સ્પર્ધકો સત્તાવાર પોર્ટલ પર જઈને વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા અથવા અન્ય કોઈ પણ પ્રકારની પૂછપરછ કે મદદ માટે મોબાઈલ નંબર 9033316841 પર સંપર્ક કરવો.

Related Posts