ભાવનગર

ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા
રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ સલામતી વધુ સુદૃઢ બને તે માટે વિવિધ
મુદ્દાઓની સમીક્ષા કરી સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ અગાઉની બેઠકમાં આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાને થયેલી કામગીરી
(ATR)ની સમીક્ષા કરી હતી. ઉપરાંત ભાવનગર શહેરના શિવાજી સર્કલને સ્કૂલ ઝોન તરીકે વિકસાવવા, રાષ્ટ્રીય અને
રાજ્ય ધોરીમાર્ગો પર ખાસ કરીને ચોમાસા દરમિયાન રખડતા પશુઓના કારણે થતા અકસ્માતો અટકાવવા તેમજ
જરૂરી માર્ગ સલામતીના પગલાં સમયસર અમલમાં મૂકવા અંગે સૂચનાઓ આપી હતી.
બેઠકમાં વલ્લભીપુર-ભાવનગર માર્ગ પર ચોગઠ ચોકડી બાદ તથા સીતારામ પેટ્રોલિયમ નજીક આવેલા બ્રિજ
કોરિડોરમાં માર્ગ સલામતીના જરૂરી કામો, વલ્લભીપુર-નવાગામ માર્ગ પર લીમડા અને લખાણકા ગામ તરફ જતાં ‘Y’
જંક્શનનું સલામતીલક્ષી વિકાસ, ભાવનગર શહેરમાં ઇસ્કોન ક્લબથી કાળિયાબીડ સુધીના માર્ગ પર ટ્રાફિક
વ્યવસ્થાપન સુધારવા તેમજ તળાજા-મહુવા (NH-51) માર્ગ પર આવેલા અનધિકૃત મીડિયન કટ દૂર કરવા અંગે પણ
વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત કેન્દ્ર સરકારની PM રાહત યોજના અને રાહવીર યોજનાના અસરકારક અમલીકરણ તેમજ
District Highway Safety Task Force અંતર્ગત વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને જવાબદારીઓના નિર્ધારણ અંગે
પણ સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (આર.ટી.ઓ.) શ્રી આર.પી. દાણીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા
જિલ્લામાં માર્ગ સલામતી માટે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી. ગોવાણી, ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજા સહિત વિવિધ
વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts