અમરેલી

સાવરકુંડલા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે 70મી અખિલ ભારતીય શાળાકીય કબડ્ડી સ્પર્ધાનું ભવ્ય ઉદ્ઘાટન

સાવરકુંડલાના આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજરોજ 70મી અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા અંતર્ગત અંડર-14, અંડર-17 અને અંડર-19 ભાઈઓ-બહેનોની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન સાવરકુંડલા-લીલીયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે ગાયત્રીમંત્રના જાપ બાદ સમગ્ર સ્પર્ધાના આયોજક અને શ્રી કે.કે. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ચેતનકુમાર ગુજરીયાએ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા રમત-ગમત અધિકારી શ્રીમતી પૂનમબેન ફુમકીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ, શ્રી રાજુભાઈ નાગ્રેચા, શહેર ભાજપ મહામંત્રી શ્રી મોહિતભાઈ સુદાણી તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

​ધારાસભ્યશ્રી તથા અગ્રણીઓનું સન્માન

તાલુકા કક્ષાએ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણમાં મહત્વનું યોગદાન આપવા બદલ વ્યાયામ શિક્ષક મંડળ દ્વારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરાયું હતું. આ સાથે જ અમરેલી જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના મહામંત્રી શ્રી બીપીનભાઈ રાઠોડનું પણ શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું.

​”રમતગમત એ જીવનનો અભિન્ન ભાગ છે” : શ્રી મહેશભાઈ કસવાલા

પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, રમતગમતથી વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે અને તેનાથી શારીરિક સ્ફૂર્તિ, માનસિક મજબૂતી તથા ટીમભાવના ખીલે છે. કબડ્ડી જેવી ભારતીય પરંપરાગત રમત આપણી સંસ્કૃતિની ઓળખ છે, જે ગ્રામ્ય સ્તરની પ્રતિભાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક સુધી પહોંચાડે છે. તેમણે તમામ ખેલાડીઓને ખેલદિલી પૂર્વક રમીને આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન સ્પર્ધાના કન્વીનર અને શ્રી કે.કે. હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક શ્રી વિપુલભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ, વ્યાયામ શિક્ષકો અને રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારે ઉત્સાહ વચ્ચે મેચોનો પ્રારંભ થયો હતો.

Related Posts