અમરેલી

ભાવિ શિક્ષકોના ચરિત્ર નિર્માણ અને વ્યક્તિત્વ વિકાસ માટે શિક્ષણવિદ્ છગનભાઈ ધોરાજિયાનું પ્રેરણાદાયી વ્યાખ્યાન

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી મહિલા અધ્યાપન મંદિર, સાવરકુંડલા ખાતે તાજેતરમાં શિક્ષણપ્રેમી અને અનુભવી શિક્ષણવિદ્ શ્રી છગનભાઈ ધોરાજિયા સાહેબના એક પ્રેરણાદાયી વ્યાખ્યાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. લીલીયા પે સેન્ટર શાળાના પૂર્વ પ્રિન્સિપાલ તેમજ તરવડા પી.ટી.સી. અને બી.એડ્. કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ રહી ચૂકેલા શ્રી ધોરાજિયા સાહેબે પોતાની જૈફ વયે પણ અત્યંત ઊર્જાસભર અને મનનીય વ્યાખ્યાન આપી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

​સવારના ૯:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન બે વિશેષ સેશનમાં યોજાયેલા આ રસપ્રદ સેમિનારમાં તેમણે તાલીમાર્થી બહેનોને એક આદર્શ ‘ભાવિ શિક્ષક’ કેવો હોવો જોઈએ તેની વિગતવાર સમજ આપી હતી. પોતાના વક્તવ્યમાં તેમણે શિક્ષણનું સાચું મહત્વ, વ્યક્તિત્વ વિકાસ, ઉચ્ચ જીવનમૂલ્યો, ચરિત્ર નિર્માણ, સમયનું સચોટ આયોજન તેમજ સમાજ પ્રત્યેની જવાબદારીઓ જેવા અનેક પાયાના મુદ્દાઓ પર ખૂબ જ અસરકારક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમાર્થી બહેનો અને ઉપસ્થિત સૌ શ્રોતાગણે તેમના વિચારોને ખૂબ જ રસપૂર્વક સાંભળ્યા અને આવકાર્યા હતા.

​કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના આચાર્ય શ્રી બાબુભાઈ ચાવડાએ સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડૉ. રવિભાઈ મહેતા તથા બહેનશ્રી રેણુકા અરુણાબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનશ્રીઓ અને સંસ્થા પરિવાર વતી આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું

Related Posts