દક્ષિણ ગુજરાત અને સુરત સહિતના વિસ્તારોમાં જ્યાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી અનરાધાર વરસાદ વરસાવ્યો છે, તેની સરખામણીએ સાવરકુંડલા શહેરમાં વરસાદી માહોલ કંઈક અનોખો અને શાંત જોવા મળ્યો છે. આજે સવારે આશરે સવા છ વાગ્યાના સુમારે જોરદાર પવન સાથે ભારે વરસાદ ત્રાટકશે તેવો ઘાટ સર્જાયો હતો, પરંતુ બપોર પછીથી મેઘરાજાએ ધીમી ધારે રીમઝીમ વરસવાનું શરૂ કર્યું હતું. શ્રાવણ માસની યાદ અપાવતા આ ઝરમર વરસાદે સમગ્ર શહેરમાં આહલાદક વાતાવરણ સર્જ્યું છે.
સાવરકુંડલા શહેરની ભૌગોલિક રચના એક ‘ઊંધી રકાબી’ જેવી છે. આ વિશેષ આકારને કારણે ચારેય તરફથી વરસાદી પાણી વહીને સીધું જ શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીના પટમાં ભેગું થાય છે. આ જ કારણસર, શહેરમાં ભલે ઓછો કે ઝરમર વરસાદ પડે, છતાં પણ નાવલી નદીના પટમાં પાણી જમા થાય છે અને રસ્તાઓ પરથી પાણી વહેતા થયા છે.
રોગચાળો અટકાવવા પીવાનું પાણી ઉકાળીને પીવું હિતાવહ ગણાય
વરસાદી પાલર પાણી જમીનમાં ઉતરવાની પ્રક્રિયા દરમિયાન પાણીજન્ય રોગો ફેલાવવાનું જોખમ વધી જતું હોય છે. વાતાવરણમાં ફેરફાર અને દૂષિત પાણીના કારણે ઝાડા-ઊલટી, મરડો, ટાઈફોઈડ અને કમળા જેવા પેટના ગંભીર રોગો ન થાય તે માટે નાગરિકોને ખાસ સાવચેતી રાખવી આવશ્યક છે. આ વરસાદી ઋતુમાં આરોગ્યની જાળવણી માટે પીવાનું પાણી ઉકાળીને જ વાપરવું હિતાવહ અને આરોગ્યપ્રદ રહેશે.
હાલ પણ સાવરકુંડલામાં વાદળછાયા મનોરમ્ય વાતાવરણ વચ્ચે ધીમી ધારે ઝરમર વરસાદ ચાલુ જ છે, જેણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરાવી દીધી છે. અત્યારે સાંજે સવા છ વાગ્યે વરસાદે થોડું જોર પકડ્યું છે લાગે છે રાત્રે જોરદાર વરસાદ ખાબકશે













Recent Comments