અમરેલી

આ દેશ દેશના વીર જવાનોના કારણે સુરક્ષિત છે, દેશના શહીદોને વિનમ્ર નમન : મહેશ કસવાલા

કારગિલ વિજય દિવસ નિમિત્તે સાવરકુંડલા સ્થિત શહીદ સ્મારક ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ
કસવાલાની આગેવાનીમાં ભાવભીની “શહીદ વંદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની અખંડિતતા અને સુરક્ષા માટે
પોતાના પ્રાણોનું સર્વોચ્ચ બલિદાન આપનાર અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, “આ દેશ દેશના વીર જવાનોના કારણે સુરક્ષિત છે. આપણે આજે
સ્વતંત્ર અને નિર્ભય જીવન જીવી શકીએ છીએ તો તે આપણા સૈનિકોના અદમ્ય શૌર્ય, ત્યાગ અને સમર્પણના કારણે શક્ય બન્યું છે.
દેશના દરેક શહીદને હું હૃદયપૂર્વક વિનમ્ર નમન કરું છું.”
તેમણે કારગિલ યુદ્ધના ઇતિહાસને યાદ કરતાં જણાવ્યું કે વર્ષ 1999માં પાકિસ્તાની ઘૂસણખોરોએ કારગિલની ઊંચી પહાડીઓ પર
ગેરકાયદેસર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ અદ્વિતીય શૌર્ય અને અસાધારણ પરાક્રમ સાથે ‘ઓપરેશન
વિજય’ હાથ ધરી દુશ્મનોને પરાસ્ત કર્યા અને ભારતની એક ઇંચ જમીન પણ છોડ્યા વિના તિરંગાનો ગૌરવ ફરી સ્થાપિત કર્યો.
ટાઈગર હિલ, તોલોલિંગ અને અન્ય વ્યૂહાત્મક શિખરો પર ભારતીય સેનાએ જીતનો ઇતિહાસ રચ્યો, જેના કારણે સમગ્ર વિશ્વે
ભારતીય સેનાની બહાદુરીને સલામ કરી.
શ્રી કસવાલાએ જણાવ્યું કે તે સમયના વડાપ્રધાન ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના દૃઢ અને દૂરંદેશી નેતૃત્વે સમગ્ર દેશને
એકતા અને આત્મવિશ્વાસ સાથે જોડ્યો હતો. શાંતિની પહેલ કર્યા છતાં જ્યારે દેશની સરહદ પર પડકાર ઊભો થયો ત્યારે
અટલજીએ રાજકીય ઇચ્છાશક્તિ અને મજબૂત નિર્ણયક્ષમતાથી ભારતીય સેનાને જરૂરી તમામ સ્વતંત્રતા અને સમર્થન આપ્યું.
પરિણામે ભારતે વિશ્વ સમક્ષ પોતાની સૈનિક શક્તિ, રાજદ્વારી પરિપક્વતા અને રાષ્ટ્રીય સંકલ્પનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું.
તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતીય સૈનિક માત્ર સરહદનો પ્રહરી નથી, પરંતુ દેશના દરેક નાગરિકના વિશ્વાસ, સુરક્ષા અને સ્વાભિમાનનો
રક્ષક છે. તહેવાર હોય કે પરિવારની ખુશી, કડકડતી ઠંડી હોય કે હિમવર્ષા અથવા દુર્ગમ પહાડો—ભારતનો જવાન પોતાના પરિવારથી
દૂર રહીને માતૃભૂમિની રક્ષા માટે સતત તત્પર રહે છે. દેશના દરેક નાગરિકની ફરજ છે કે શહીદોના બલિદાનને ક્યારેય ભૂલ્યા વિના
રાષ્ટ્રસેવાની ભાવનાને જીવનમાં ઉતારે.
કાર્યક્રમમાં નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી નયનાબેન કાપડિયા, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ,
ભારતીય જનતા યુવા મોરચાના જિલ્લા મહામંત્રી શ્રી શિવાંગ ત્રિવેદી, યુવા મોરચા મંડળ અધ્યક્ષ શ્રી કિશન ત્રિવેદી, નગરપાલિકાના
પદાધિકારીઓ, પક્ષના હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં બાળકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળી અમર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
હતી. સમગ્ર વાતાવરણ “ભારત માતા કી જય”, “વંદે માતરમ” અને “અમર રહો શહીદો”ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું અને
ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે હંમેશા સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

Related Posts