સાવરકુંડલા શહેર ખાતે છેલ્લા દોઢેક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકો પર ભારે આફત આવી પડી છે. આકાશમાં દરરોજ કાળાડીબાંગ વાદળો ઘેરાય છે ખરા, પરંતુ વરસાદ વરસાવ્યા વગર જ મેઘરાજા હાથતાળી આપીને છટકી જાય છે. લાંબા સમયના વિરામને કારણે ઊભો પાક સુકાઈ રહ્યો છે અને ખેડૂતો આકાશ તરફ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
પ્રાચીન સમયમાં જ્યારે મેઘરાજા રૂઠતા ત્યારે તેમને મનાવવા માટે હોમ-હવન, જાપ અને દાન-દક્ષિણા જેવા ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવતા હતા. સ્થાનિક લોકોમાં હવે આવા ધાર્મિક કાર્યો યોજવાની ચર્ચા પણ જાગી છે, પરંતુ આજના આધુનિક યુગમાં પર્યાવરણ સાથે થયેલા સતત ખિલવાડ અને ‘અલનીનો’ જેવી વૈશ્વિક આબોહવાકીય અસરોના કારણે માત્ર હવનથી વરસાદ આવશે કે કેમ તે મોટો યજ્ઞપ્રશ્ન બની ગયો છે.
હાલ ચોમાસું પાક સાવ નિષ્ફળ જવાની અણી પર પહોંચી ગયો છે. ખેડૂતો જણાવે છે કે જો અત્યારે એક પણ સારો સાર્વત્રિક વરસાદ પડી જાય, તો પાક સંપૂર્ણ ન બચે તો પણ મૂંગા પશુઓ માટે ઘાસચારા અને પીવાના પાણીની વિકટ સમસ્યા ઉકેલાઈ જાય તેમ છે.
લાંબા દુષ્કાળ જેવા માહોલને કારણે સમગ્ર કુંડલા પંથકના ખેડૂતોમાં ભારે નિરાશા અને ચિંતાનો વ્યાપ છે. ખેતીમાં કરેલો ખાતર, બિયારણ અને મજૂરીનો તમામ ખર્ચ માથે પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર તુરંત હરકતમાં આવે, સ્થળ તપાસ કરીને યોગ્ય સર્વે કરે અને સાવરકુંડલા પંથકને સત્તાવાર રીતે ‘દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરીને ખેડૂતોને આર્થિક સહાય તથા રાહત આપવાની માંગ ઉગ્ર બની રહી છે.
















Recent Comments