શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ સાવરકુંડલા ખાતે વિદ્યાર્થીનીઓમાં શ્વાન દંશ (ડોગ બાઇટ) અને હડકવા જેવા જીવલેણ રોગ સામે સાવચેતી અને જાગૃતિ કેળવાય તે હેતુથી એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ ડોગ બાઇટથી બચવાના ઉપાયો અને પ્રાથમિક તકેદારીઓ અંગે રસપ્રદ વક્તવ્ય રજૂ કર્યા હતા. આ ઉપરાંત, જાગૃતિ ફેલાવતા વિવિધ સૂત્રો (સ્લોગન) અને આકર્ષક ચિત્રો દ્વારા શ્વાન દંશ સમયે ‘શું કરવું અને શું ન કરવું’ તેની ખૂબ જ રચનાત્મક અને સરળ સમજ આપાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યાશ્રી ઉષાબેન તેરૈયાએ વિદ્યાર્થીનીઓને માર્ગદર્શિત કરતા મહત્વની સલાહ આપી હતી કે:
શેરીના કે રખડતા કૂતરાઓ સાથે ક્યારેય છેડછાડ કરવી નહીં.
જો કૂતરૂં કરડે તો ગભરાયા વગર ઘા ને તરત જ સાબુ અને વહેતા પાણીથી ૧૫ મિનિટ સુધી બરાબર ધોવો.
કોઈપણ ઘરગથ્થુ ઉપચાર કરવાના બદલે તુરંત જ નજીકના સરકારી દવાખાને જઈને હડકવા વિરોધી (Anti-Rabies) રસી મુકાવવી અત્યંત જરૂરી છે.
શાળા કક્ષાએ આ વિષયે સતત સાવધાની જળવાઈ રહે અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળતું રહે તે હેતુથી શિક્ષક શ્રી હિમાંશુભાઈ બોરીસાગરની ‘નોડલ અધિકારી’ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ ખૂબ જ પ્રેરણાદાયી અને માહિતીસભર રહ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકગણ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક યોગદાન આપ્યું હતું.


















Recent Comments