આજના આધુનિક યુગમાં જ્યાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તૂટી રહી છે અને લોકો એકલવાયા જીવન તરફ વળી રહ્યા છે, ત્યારે વંડાની શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલ ખાતે એક અત્યંત પ્રેરણાદાયક ‘સમૂહ ભોજન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રેમ અને મીઠાશભરી લાગણીઓ ભળતા આ પ્રસંગ માત્ર એક સહભોજન ન રહેતા સાચા અર્થમાં “સમૂહ ભોજન પ્રસાદ” બની રહ્યો હતો.
વિવિધતામાં એકતાના દર્શન:
આ અનોખા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી પ્રેમપૂર્વક અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને લાવ્યા હતા. વિદ્યાર્થીની બહેનો દ્વારા સમોસા, પાણીપુરી, બટાકાવડા, સેન્ડવીચ, બટાકા-પૌંઆ, સૂકી ભાજી, પાંઉભાજી, પંજાબી સબ્જી, ઈડલી-સંભાર, ચુરમાના લાડુ, ફરાળી વાનગીઓ, પુરી-શાક, મસાલા ઢોંસા, આલુ પરોઠા, શીરો, ઢોકળા, ખમણ, પુરણપોળી અને બટાકા-ભુંગળા જેવી અવનવી વાનગીઓ પીરસવામાં આવી હતી. આ ઉપરાંત આપણું પરંપરાગત કાઠિયાવાડી ખાણું – રોટલી, રોટલા, જુદા જુદા સ્વાદિષ્ટ શાક અને ઘરની મીઠી છાશનો સ્વાદ પણ સૌએ માણ્યો હતો. વહાલા વિદ્યાર્થીઓએ હોંશે હોંશે આ ‘પ્રેમ પ્રસાદ’ શાળાના તમામ શિક્ષક ભાઈ-બહેનોને જમાડ્યો હતો અને ત્યારબાદ સૌએ સાથે મળીને ભોજન ગ્રહણ કરી સહિયારા આનંદનો અનુભવ કર્યો હતો.
કાર્યક્રમનો ઉદ્દેશ્ય અને સમાજ માટે પ્રેરણા:
આ પ્રસંગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ સમૂહભાવના અને ભાવાત્મક એકતાના બીજ રોપવાનો હતો. ભવિષ્યમાં બાળકો એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી બને અને એકમેકના પૂરક બની રહે તેવા ઉચ્ચ આશયથી શાળાના શિક્ષક શ્રી પ્રહલાદભાઈ ચૌહાણ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે સમાજમાં વિભક્ત કુટુંબોની સંખ્યા વધી રહી છે, ત્યારે શિક્ષક અને વિદ્યાર્થીઓનો આ સહિયારો પ્રયાસ સમગ્ર લોકસમાજ માટે એક પ્રેરણાદાયી દ્રષ્ટાંત બની રહ્યો છે. આ કાર્યક્રમે સમાજને એક સુંદર સંદેશ આપ્યો છે કે સાચો આનંદ અને મીઠાશ એકલા ખાવામાં નહીં, પણ વહેંચીને સાથે જમવામાં અને હળીમળીને રહેવામાં જ સમાયેલો છે.


















Recent Comments