અમરેલી

શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલાને આરોગ્ય ક્ષેત્રે રાજ્યકક્ષાનું પ્રતિષ્ઠિત સન્માન

અમરેલી ખાતે સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સન્માન

રાજ્યકક્ષાના પાવન સ્વાતંત્ર્ય દિવસના અવસરે અમરેલી મુકામે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલાને આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવી રહેલી ઉત્કૃષ્ટ, નિઃસ્વાર્થ તથા સંપૂર્ણ નિઃશુલ્ક સેવાઓ બદલ રાજ્યકક્ષાનું પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે.

આ ગૌરવપૂર્ણ સન્માન ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આરોગ્ય મંદિરના યુવાન ઉપપ્રમુખ શ્રી અમિતભાઈ મગિયા સાહેબને એનાયત કરવામાં આવ્યું હતું.

શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા વર્ષોથી સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને ગુણવત્તાયુક્ત આધુનિક સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આરોગ્ય ક્ષેત્રે માનવસેવાના આ અનોખા સેવાયજ્ઞની રાજ્યકક્ષાએ નોંધ લેવામાં આવી અને સંસ્થાને આ પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવી છે.

**“સેવા પરમો ધર્મઃ”**ના સંકલ્પને હૃદયમાં ધારણ કરીને શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર જરૂરિયાતમંદ દર્દીઓની સેવા માટે સતત કાર્યરત છે. રાજ્યકક્ષાનું આ સન્માન આરોગ્ય મંદિરના સમગ્ર પરિવાર માટે અત્યંત ગૌરવની ક્ષણ હોવા સાથે ભવિષ્યમાં વધુ સમર્પણ, વધુ સેવાભાવ અને વધુ ઉત્કૃષ્ટ આરોગ્યસેવા માટે પ્રેરણારૂપ બનશે.

આ પ્રસંગે આરોગ્ય મંદિરના સમગ્ર પરિવારે આ સન્માન બદલ રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને માનવસેવાના આ સેવાયજ્ઞને વધુ વ્યાપક અને વધુ અસરકારક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

અંતમાં અહીંના કર્મનિષ્ઠ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ પ્રકાશ કટારીયા એ તેમની યાદીમાં જણાવ્યું કે આ સન્માન માત્ર એક સંસ્થાનું સન્માન નથી, પરંતુ નિઃસ્વાર્થ માનવસેવાના આ મહાયજ્ઞ સાથે જોડાયેલા સમગ્ર પરિવારનું સન્માન છે જેમાં સેવાભાવી દાતાશ્રીઓ, ટ્રસ્ટીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ ટીમ તથા આરોગ્ય મંદિરના તમામ કર્મચારીઓની અવિરત મહેનત, સમર્પણ અને સેવાભાવનાનું આ ગૌરવપૂર્ણ પ્રતિબિંબ છે.

Related Posts