ભાવનગર જિલ્લાના તમામ ગ્રાન્ટેડ શાળાઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ 176
કર્મચારીઓને પૂર્ણ પગારના આદેશ એનાયત કરવાનો કાર્યક્રમ તા. 20 ઓગસ્ટ, 2026 ના રોજ સવારે
9:00 કલાકે પી.એન.આર. સોસાયટી હોલ, ભાવનગર ખાતે ભારત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને
ગ્રાહક સુરક્ષાના (રાજ્ય કક્ષાના) મંત્રીશ્રી નિમુબેન બાંભણિયા અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ
પઢેરિયાના હસ્તે યોજાયો હતો.
આ પ્રસંગે પૂર્ણ પગારની અપેક્ષા રાખી રહેલા કર્મચારીઓ માટે આનંદ અને ગૌરવની ક્ષણ બની રહ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી નિમુબેન બાંભણિયાએ શિક્ષકોને પોતાની ફરજ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા અને નિપુણતા સાથે
કાર્ય કરવા તથા વિદ્યાર્થીઓના સર્વાંગી ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહેવા માર્ગદર્શન આપ્યું હતું. આ
સાથે જ સરકારશ્રીના *‘વિકસિત ભારત 2047’*ના સંકલ્પ અને તેની કલ્પના વિશે માર્ગદર્શન આપી
શિક્ષકોને રાષ્ટ્રનિર્માણમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવા પ્રેરિત કર્યા હતા.
શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરિયાએ ઉપસ્થિત તમામ શિક્ષકોને શાળામાં સંપૂર્ણ નિષ્ઠા અને
સમર્પણભાવથી કાર્ય કરવા આહ્વાન કર્યું હતું. તેમણે બાળકોમાં ઈશ્વરનું સ્વરૂપ જોઈને તેમને શ્રેષ્ઠ શિક્ષણ
અને સંસ્કાર આપવાની ભાવના સાથે શિક્ષણકાર્ય કરવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમ અત્યંત
શિસ્તબદ્ધ, ગૌરવપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. પૂર્ણ પગારના આદેશ પ્રાપ્ત થતાં 176
કર્મચારીઓના ચહેરા પર હર્ષ અને સંતોષની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી.
કર્મચારીઓએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, એક સાથે 176 કર્મચારીઓને આટલી ઝડપથી પૂર્ણ
પગારના આદેશ પ્રાપ્ત થશે તેવી કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. આ મહત્વપૂર્ણ કામગીરી ઝડપથી પૂર્ણ
કરવા બદલ કર્મચારીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરિયા તથા સમગ્ર શિક્ષણ તંત્રનો
હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રે કર્મચારીઓના હિત અને
શૈક્ષણિક વ્યવસ્થાના વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ પગલું બની રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ
બનાવવા માટે (ઈ આઈ) શ્રી વિક્રમસિંહ પરમાર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફે ભારે જહેમત
ઉઠાવી હતી.


















Recent Comments