ભાવનગર

પાલીતાણા ખાતે પૂર સંદર્ભે મોકડ્રીલ યોજાઈ

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે સંભવિત પૂર અને અચાનક સર્જાતી ફ્લેશ ફ્લડની પરિસ્થિતિમાં આપત્તિ
વ્યવસ્થાપન તંત્રની સજ્જતા ચકાસવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરીના
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, તાલુકા વહીવટીતંત્ર તથા એન.ડી.આર.એફ. ટીમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ
મોકડ્રીલમાં ઇમરજન્સી પરિસ્થિતિમાં વિવિધ એજન્સીઓ દ્વારા આપવામાં આવતા પ્રતિભાવ અને બચાવ કામગીરીનું
પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.
મોકડ્રીલ દરમિયાન મામલતદાર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા પાલીતાણા તાલુકાની સ્થાનિક ઇમરજન્સી
સેવાઓને ફ્લેશ ફ્લડની પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવવા માટે સૂચના આપવામાં આવી હતી.
ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના ડિસ્ટ્રિક્ટ કંટ્રોલરૂમને પરિસ્થિતિની જાણ કરી એન.ડી.આર.એફ. ટીમની
જરૂરિયાત અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
સૂચના મળતાં જ તાલુકા કક્ષાની વિવિધ ઇમરજન્સી સેવાઓ જેવી કે ફાયર બ્રિગેડ, પોલીસ અને ૧૦૮ ઇમરજન્સી
સેવા તેમજ જિલ્લા કક્ષાએથી એન.ડી.આર.એફ.ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મોકડ્રીલ દરમિયાન
એન.ડી.આર.એફ. ટીમ દ્વારા શોધ અને બચાવ કામગીરી, ફ્લડ રેસ્ક્યુ તથા પ્રાથમિક સારવાર સહિતની કામગીરીનું
પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય પૂર કે ફ્લેશ ફ્લડ જેવી અચાનક સર્જાતી આપત્તિની પરિસ્થિતિમાં વિવિધ સરકારી અને
ઇમરજન્સી એજન્સીઓ વચ્ચે સંકલન, ઝડપી પ્રતિભાવ અને બચાવ કામગીરીની કાર્યક્ષમતા ચકાસવાનો હતો.
મોકડ્રીલમાં સ્થાનિક લોકો દ્વારા પણ બહોળી સંખ્યામાં સહભાગિતા નોંધાવવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા મામલતદાર શ્રી અર્જુનસિંહ ડોડીયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી જયરાજસિંહ ગોહિલ, પાલીતાણા
પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી બી.એમ. કરમટા, એન.ડી.આર.એફ.ના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ, ડીપીઓ ડિઝાસ્ટર
મેનેજમેન્ટ શ્રીમતી ડિમ્પલબેન તેરૈયા, નાયબ મામલતદાર (પૂર) શ્રી ચૌહાણ તથા ગામના તલાટી સહિતના
અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts