અમરેલી

બાળ સંસ્કાર અને શિવભક્તિનો અનોખો સંગમ: સાવરકુંડલાના બુધ્ધનાથ મહાદેવ મંદિરે ટાબરિયાંઓએ કરી ગર્ભગૃહની નિઃસ્વાર્થ સેવા

​નિઃસ્વાર્થ ભાવે જે કરે સેવા,                            એ શિવને બહુ સુહાય છે,

શ્રદ્ધા ભરેલા બાળ-હૈયે જઈને                        સ્વયં ભોળાનાથ પણ પ્રસન્ન થાય છે.

–પાંધીસર “

ભારતીય સનાતન સંસ્કૃતિમાં પવિત્ર શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. આ માસને આરાધના, વ્રત, ઉપવાસ અને મહાદેવની પૂજા-અર્ચના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ભાવિકો વહેલી સવારે શિવલિંગ પર જલાભિષેક, દૂધ, બિલીપત્ર, પુષ્પ, અક્ષત અને ચંદન અર્પણ કરીને ભોળાનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. માત્ર એક લોટો જળ ચઢાવવાથી પણ જ્યાં શિવકૃપા પ્રાપ્ત થાય છે, ત્યાં સાવરકુંડલા શહેરમાં બાળ સંસ્કાર અને શિવભક્તિનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.

​સાવરકુંડલા શહેરની શિવ-શક્તિ સોસાયટી ખાતે આવેલા પ્રખ્યાત બુધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ધોરણ ૫ થી ૭માં અભ્યાસ કરતી ટાબરટોળીએ શિવ સેવાની ઉત્કૃષ્ટ મિસાલ કાયમ કરી છે. આ બાળકોએ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ પર ચડાવેલા બિલીપત્રો અને પુષ્પોને સંપૂર્ણ ભક્તિભાવ પૂર્વક એકત્ર કરી પાણીની ડોલમાં પધરાવ્યા હતા. ત્યારબાદ તેમણે આખા ગર્ભગૃહને સ્વચ્છ પાણીથી ધોઈને પોતા કર્યા હતા અને આસપાસની જગ્યાને એકદમ સાફ કરી દીધી હતી. એટલું જ નહીં, મંદિરની ઓસરીમાં પણ સાવરણી વડે કચરો વાળીને સંપૂર્ણ સ્વચ્છતા જાળવી હતી.

​આ અંગે બાળકો પૂછતાં તેમણે નિખાલસતાથી જણાવ્યું હતું કે, મંદિરના પૂજારી (બાપુ)ને ઘરે કામ હોવાથી તેમની ગેરહાજરીમાં પૂરેપૂરી અવેજી સાચવીને તેમણે આ તમામ સેવાકીય કાર્યો કર્યા હતા. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિ કે વાહવાહની અપેક્ષા વગર માત્ર ભક્તિભાવથી કરેલી આ બાળકોની સેવા ખરા અર્થમાં ‘સાચી શિવ સેવા’ સાબિત થઈ રહી છે. બાળકોના આ સંસ્કાર જોઈને સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓ પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

Related Posts