ગુજરાત નાણા ધિરાણ અધિનિયમ-૨૦૧૧ હેઠળ અમરેલી જિલ્લામાં નોંધાયેલ શાહુકારો દ્વારા અધિનિયમની જોગવાઈઓનું પાલન કરવામાં આવે તે માટે શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળી, અમરેલી દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અધિનિયમની જોગવાઈ મુજબ તારણવાળા ધિરાણ માટે વાર્ષિક ૧૨ ટકા તથા તારણ વિનાના ધિરાણ માટે વાર્ષિક ૧૫ ટકા મુજબ વ્યાજની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ગુજરાત નાણા ધિરાણ અધિનિયમની કલમ-૨૩(૧) મુજબ નાણાકીય વર્ષ દરમિયાન નાણા ધિરાણના હિસાબનું ઓડિટ કરાવવાનું રહે છે.
નાણા ધિરાણ અધિનિયમની કલમ-૧૬(૧) અન્વયે અમરેલી જિલ્લામાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૧૦ સ્વૈચ્છિક તપાસ/શંકા તપાસ, ૧૪-દેણદાર તપાસ તથા ૦૧ છુપા ધિરાણ તપાસના પરિણામે જિલ્લામાં શાહુકારોની સંખ્યામાં ૧૫ જેટલો ઘટાડો નોંધાયો છે.
ગુજરાત નાણા ધિરાણ અધિનિયમની કલમ-૨૧(૧) અંતર્ગત શાહુકારોએ ઈ-કોઓપરેટિવ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી તમામ માસિક તથા વાર્ષિક હિસાબો અને પત્રકો ઓનલાઈન રજૂ કરવાના રહે છે. તેમ છતાં કેટલાક શાહુકારો દ્વારા આ પત્રકો ઓનલાઈન રજૂ કરવામાં આવતા ન હોવાનું જણાયું છે, જે અધિનિયમની કલમ-૪૪નું ઉલ્લંઘન છે.
વધુમાં, વાર્ષિક રૂ. ૪૦ લાખથી વધુ ધિરાણ કરનાર શાહુકારોએ પોતાના ખાતાનું દર વર્ષે વૈધાનિક ઓડિટર પાસે ઓડિટ કરાવવાનું રહે છે. તેમજ વાર્ષિક રૂ. ૫૦ લાખથી વધુ ધિરાણ કરનાર શાહુકારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.) પાસે દર વર્ષે ઓડિટ કરાવવાનું રહે છે. તા. ૩૧.૦૩.૨૦૨૬ના રોજ પૂર્ણ થતા વર્ષનું ઓડિટ કરાવી ઓડિટ રિપોર્ટ ઓનલાઈન રજૂ કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં બેદરકારી દાખવનાર શાહુકારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું શાહુકારોના નિબંધક તથા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળી, અમરેલી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.













Recent Comments