નવી પેઢીની યાદશક્તિ હવે નેતાઓની અનુકૂળતા પ્રમાણે ચાલતી નથી, કારણ કે તેની પાસે સ્માર્ટફોન છે.
Gen Z એવી દુનિયામાં મોટી થઈ છે જ્યાં માહિતી મેળવવા માટે બીજા દિવસના અખબારની રાહ જોવી પડતી નથી. હાથમાં રહેલો સ્માર્ટફોન જૂનું ભાષણ શોધી શકે છે, અગાઉ આપેલું વચન સામે મૂકી શકે છે પોતાના શહેરની સ્થિતિની સરખામણી દેશ કે દુનિયાના બીજા શહેર સાથે કરી શકે છે.
આ પેઢી માટે કોઈ નેતા કેટલું સારું બોલે છે, કેટલી મોટી સભા કરે છે કે સોશિયલ મીડિયા પર કેટલો લોકપ્રિય છે, એ પૂરતું નથી, એટલે નવી પેઢીને માત્ર કથા કહીને સંતોષવી મુશ્કેલ બની રહી છે. તેને પરિણામ પણ જોઈએ છે.તે એક સીધો સવાલ પૂછે છે તમે કહ્યું શું હતું અને કર્યું શું ?
નવી પેઢીને રાજકીય નેતાઓના દંભ પરત્વે સૌથી વધુ અણગમો છે જાહેરમાં સાદગી અને ખાનગીમાં વૈભવ.
મંચ પરથી નૈતિકતાના પાઠ અને કાયદાની વાતો વ્યવહારમાં સત્તાની નજીકના માણસો માટે જુદા જ નિયમો ! આ બધું નવી પેઢીને ખટકે છે.
Gen Z નેતાઓ પાસેથી પૂર્ણતા નથી માગતી. માણસ ભૂલ કરી શકે છે, સરકાર નિષ્ફળ જઈ શકે છે, પરિસ્થિતિ બદલાઈ શકે છે—એ તે સમજી શકે છે.
પરંતુ એક વસ્તુ તેને સૌથી વધુ અકળાવે છે કથની અને કરણી વચ્ચેનું અંતર વચનોની કિંમત ત્યારે જ, જ્યારે તે પૂરા થશે ચૂંટણી આવે ત્યારે રોજગાર, શિક્ષણ, રસ્તા, વિકાસ, પારદર્શિતા અને ભ્રષ્ટાચારમુક્ત શાસનનાં વચનો અપાય છે. વચન આપવામાં રાજકીય પક્ષો ક્યારેય ગરીબ દેખાતા નથી. वचनेषु किं दरिद्रता ? સવાલ વચનોની અછતનો નથી. સવાલ તેની ડિલિવરીનો છે. નવી પેઢીને જાહેરાત કરતાં અમલીકરણમાં વધારે રસ છે Gen Z હવે પૂછે છે—પાંચ વર્ષ પહેલાં જે કહ્યું હતું તેનું શું થયું? કેટલી જાહેરાતો થઈ એ નહીં, કેટલું કામ થયું ? કેટલા કરોડ ફાળવાયા એ નહીં, જમીન પર શું ઊભું થયું ? કેટલી નોકરીઓ જાહેર થઈ એ નહીં, કેટલા યુવાનોને ખરેખર કામ મળ્યું ? ડિજિટલ યુગમાં રાજકીય સ્મૃતિ બહુ લાંબી થઈ ગઈ છે. વચન આપીને ભૂલી જવાની રાજકીય પરંપરા સામે આ પેઢીની સહનશક્તિ ઓછી થઈ રહી છે.તે કહે છે:વચન આપ્યું છે તો હિસાબ પણ આપો ! રાસ્તે કે ગડડે બહુત કુછ બયાં કરતે હૈ…
Gen Z અને સામાન્ય નાગરિકોને ભ્રષ્ટાચાર કરોડોના કૌભાંડોની ફાઇલમાં નહીં, પણ તાજા બનાવેલા રસ્તાના ખાડામાં દેખાય છે.વરસાદના થોડા મહિનામાં તૂટી જતો નવો રસ્તો, વારંવાર ખોદાતી સડક, અધૂરી ગટરવ્યવસ્થા, નબળી જાહેર પરિવહન સેવા કે ખરાબ સરકારી સુવિધાઓ જોઈને સ્વાભાવિક રીતે આજનો યુવાન પૂછે છે :પૈસા પુરા ખર્ચાયા તો પછી જાહેર બાંધકામોની ગુણવત્તા આવી નબળી કેમ ?
ખાડામાંથી પસાર થતી વખતે વાહનને લાગતો આંચકો માત્ર કમરને નથી લાગતો વ્યવસ્થા પરના ભરોંસાને પણ લાગે છે. ટેક્સ ભરતો યુવાન જ્યારે ખરાબ રસ્તા પર વાહન ચલાવાની પીડાનો જાત અનુભવ કરે છે, ટ્રાફિકમાં કલાકો ગુમાવે છે અથવા મૂળભૂત સામાન્ય સુવિધાઓ માટે દિન પ્રતિદિન સંઘર્ષ કરે છે, ત્યારે તેના માટે ભ્રષ્ટાચાર કોઈ અમૂર્ત કે અજાણ્યો શબ્દ રહેતો નથી તેનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થાય છે !


















Recent Comments