ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત વિધાનસભા ખાતે અદ્યતન પોર્ટેબલ મોબાઈલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલ ‘BHISHM Cube-R300’ ના વિશિષ્ટ નિદર્શનનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા ખાતે આજે અદ્યતન પોર્ટેબલ મોબાઈલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલ ‘BHISHM Cube-R300’ ના વિશિષ્ટ નિદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સેક્રેટરીએટ (NSCS) ના માર્ગદર્શન હેઠળની આરોગ્ય મૈત્રી પહેલ અંતર્ગત ‘BHISHM Cube-R300’ વિકસાવવામાં આવ્યું છે.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા સહિત મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ‘BHISHM Cube-R300’ અંગેની શોર્ટ ફિલ્મ નિહાળી હતી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આજે અને આવતીકાલ તા. ૧૦ સપ્ટેમ્બર સુધી યોજાનાર આ બે દિવસીય પ્રદર્શનનો મુખ્ય હેતુ કટોકટી તેમજ કુદરતી આપત્તિઓ જેવા કપરા સમયે તાત્કાલિક મળી રહેતી ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, ટેલિમેડિસિન સુવિધા, ડિજિટલ હેલ્થ ટેકનોલોજી તેમજ અત્યાધુનિક લોજિસ્ટિક્સ અને સ્થિતિસ્થાપક આરોગ્ય માળખા અંગે નાગરિકોને પરિચિત કરાવવાનો છે.

BHISHM Cube-R300 ની વિશેષતાઓ વિશે જણાવતા આરોગ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, BHISHM Cube-R300 એ અત્યંત જટિલ કે આપાતકાલીન પરિસ્થિતિઓમાં થોડી જ મિનિટોમાં તૈનાત કરી શકાય તેવી એક પોર્ટેબલ મોબાઈલ ઈમરજન્સી હોસ્પિટલ છે, જે સ્થળ પર જ ટ્રોમા સારવાર, તાત્કાલિક શસ્ત્રક્રિયા, રોગ નિદાન અને અન્ય જીવનરક્ષક સુવિધાઓ પૂરી પાડે છે. આ સમગ્ર સિસ્ટમને ૭૨ મોડ્યુલર મિની-ક્યુબ્સમાં પેક કરવામાં આવે છે, જેમાં પ્રત્યેક ક્યુબનું વજન ૨૦ કિગ્રાથી પણ ઓછું હોય છે. આ આખું યુનિટ માત્ર ૧૨ મિનિટથી પણ ઓછા સમયમાં સ્થાપિત કરીને એકસાથે ૩૦૦ જેટલા ઈજાગ્રસ્તોને ઇમરજન્સી સારવાર આપવાની ક્ષમતા ધરાવે છે. જમીન, હવાઈ અને દરિયાઈ માર્ગે પરિવહન ક્ષમતા ધરાવતી આ સિસ્ટમને દુર્ગમ વિસ્તારોમાં એરડ્રોપ પણ કરી શકાય છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, BHISHM Cube-R300 આપત્તિ સજ્જતા ક્ષેત્રે એક નવી ક્રાંતિ સમાન છે. આ પોર્ટેબલ હોસ્પિટલ વેન્ટિલેટર, મલ્ટી-પેરામીટર મોનિટર, મિની-લેબ અને સર્જિકલ સાધનો સહિત આશરે ૪૦૦ જેટલી તબીબી સામગ્રીથી સુસજ્જ હોય છે. ઘટનાસ્થળે જ તાત્કાલિક ‘ડેમેજ કંટ્રોલ સર્જરી’ કરવા માટેનું સ્ટેશન, સ્વયંની વીજ ઉત્પાદન ક્ષમતા અને ઓક્સિજન પુરવઠો ધરાવતી આ સિસ્ટમ પૂર્ણપણે આત્મનિર્ભર છે.

ભારત સરકાર દ્વારા યુક્રેન, માલદીવ્સ, જમૈકા, વેનેઝુએલા અને શ્રીલંકા જેવા દેશોમાં માનવતાવાદી સંકટ અને કુદરતી આપત્તિઓ સામે સહાયરૂપે આ ક્યુબ મોકલવામાં આવ્યા છે. ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો, ઔદ્યોગિક વિસ્તાર તેમજ વાવાઝોડું, પૂર અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓની સંવેદનશીલતાને જોતાં રાજ્યમાં BHISHM Cube ની તૈનાતી આપત્તિ સામે લડવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો, આરોગ્ય કમિશનર (શહેરી) ડૉ. સંધ્યા ભુલ્લર, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડૉ. રતનકંવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (GSDMA), સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફંડ (SDRF) અને ઉચ્ચ અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts