અમરેલી

સાવરકુંડલા બનશે ‘અંધાપા મુક્ત’! વિદ્યાગુરુ ફાઉન્ડેશન અને વિઝન ફાઉન્ડેશનનું મહા-અભિયાન શરૂ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાને આગામી વર્ષોમાં ‘અંધાપા મુક્ત’ બનાવવાના મહાસંકલ્પ સાથે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને મુંબઈ સ્થિત વિઝન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આ મહા-અભિયાન હાથ ધરાયું છે. ભારતના જાણીતા નેત્ર ચિકિત્સક અને વિઝન ફાઉન્ડેશનના પ્રણેતા ડો. કુલીનભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ તાલુકાના તમામ વયજૂથના લોકો સુધી આંખની તપાસ અને સારવારની સુવિધા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પ્રકલ્પ હેઠળ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (ભરોસા બિલ્ડિંગ) ખાતે કાર્યરત આંખના વિભાગને વધુ વ્યાપક બનાવવામાં આવશે. સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કે સાવરકુંડલા ખાતે મુખ્ય કેન્દ્ર કાર્યરત કરવામાં આવી રહ્યું છે, જ્યારે આગામી સમયમાં રાજુલા સ્થિત શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ખાતે પણ મુખ્ય કેન્દ્ર શરૂ કરવાની યોજના છે.

અભિયાન અંતર્ગત નવજાત શિશુથી લઈને વૃદ્ધો સુધીના નાગરિકોની આંખોની નિઃશુલ્ક તપાસ અને જરૂરી સારવાર કરવામાં આવશે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આરોગ્યસેવા પહોંચે તે માટે જીરા, વંડા, બાઢડા-હાથસણી રોડ સહિતના વિસ્તારોમાં ‘વિઝન સેન્ટરો’ શરૂ કરવામાં આવશે.

આ સેન્ટરો પર લાયકાત ધરાવતા ઓપ્ટોમેટ્રિશિયન અને ટેકનિશિયનો દ્વારા આંખના નંબરની તપાસ, રિફ્રેક્શન અને સામાન્ય આંખની તકલીફોનું પ્રાથમિક નિદાન કરવામાં આવશે. ગંભીર સમસ્યા ધરાવતા દર્દીઓને મુખ્ય હોસ્પિટલ ખાતે લાવી નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા વધુ તપાસ, સારવાર તેમજ જરૂરી ઓપરેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે.

વિદ્યાગુરુ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને પ્રમુખ હરેશભાઈ મહેતાએ જણાવ્યું કે, ડો. કુલીનભાઈ કોઠારી અને વિઝન ફાઉન્ડેશનના આ ઉમદા વિઝન પ્રકલ્પને સાવરકુંડલામાં લાવવાની તક ગૌરવની વાત છે. આધુનિક ટેકનોલોજી અને તબીબી સેવાઓના સમન્વયથી તાલુકાનો એકપણ નાગરિક દ્રષ્ટિની સમસ્યાને કારણે વંચિત ન રહે તે માટે બંને સંસ્થાઓ પ્રતિબદ્ધ છે.

આ અભિયાનથી ખાસ કરીને ગ્રામ્ય અને જરૂરિયાતમંદ લોકો માટે આંખની સારવાર ઘરઆંગણે ઉપલબ્ધ બનશે અને સમયસર નિદાન તથા સારવાર દ્વારા દ્રષ્ટિ સંબંધિત ગંભીર સમસ્યાઓને અટકાવવામાં મદદ મળશે.

Related Posts