અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન, ડેરી, પંચાયતીરાજ રાજ્યમંત્રીશ્રી એસ.પી. સિંઘ બઘેલની ઉપસ્થિતિમાં આશરે રૂ. ૧૫૦ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ થયું હતું. અમરેલીના અમર ડેરી હસ્તકના પ્રભાગમાં “રાષ્ટ્રીય ગોકુલ મિશન” અંતર્ગત રૂ. ૦૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગીર ગાય એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ લેબોરેટરીનું મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ થયું હતું. જ્યારે પૂર્વ કેન્દ્રીય પશુપાલન મત્સ્યોદ્યોગ અને ડેરી મંત્રીશ્રી અને રાજકોટના સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના હસ્તે “રાષ્ટ્રીય ગોકુલ મિશન” અંતર્ગત રૂ. ૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગીર ગાયના સંવર્ધન આઈ.વી.એફના સેન્ટર ઓફ એક્સેલન્સનું લોકાર્પણ થયું હતું. જ્યારે ઈફકોના ચેરમેન શ્રી દિલિપભાઈ સંઘાણી સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અમર ડેરી ખાતે રૂ. ૪૫ કરોડના ખર્ચે થયેલા આઇસક્રીમ અને પનીર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનું લોકાર્પણ થયું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન, ડેરી, પંચાયતીરાજ રાજ્યમંત્રીશ્રી એસ.પી. સિંઘ બઘેલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે કે ખેડૂતોની આવક બમણી થાય અને તે ત્યારે જ શક્ય થશે જ્યારે તેમાં કૃષિ સાથે પશુપાલન જોડવામાં આવે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન”ના મંત્રની સાર્થકતા જોવા માટે લોકોએ અમરેલી આવવું પડશે અને અહીં જોવું પડશે. સહકારી ક્ષેત્રમાં ગુજરાતના મોડેલને આખા ભારતનું મોડેલ બનાવવું જોઈએ. આણંદની જેમ અમરેલી પણ વિશ્વના નકશા પર પશુપાલન, સહકારી ક્ષેત્ર અને ડેરી માટે ઓળખાય તે માટે કેન્દ્ર સરકાર જે પણ ભૂમિકા ભજવી શકે છે, તે નિભાવવા માટે હું સંપૂર્ણપણે તૈયાર છું.
તેમણે ઉમેર્યું હતું કે, જ્યારથી કેન્દ્રમાં શ્રી અમિત શાહએ સહકાર મંત્રાલય સંભાળ્યું છે, ત્યારથી સહકારી આંદોલનમાં નવી ચેતના આવી છે. ‘શ્વેત ક્રાંતિ-૨‘ માં ૭૫,૦૦૦ ડેરી સહકારી મંડળીઓ રચવાનો નિર્ણય લેવાયો છે. ૭૫,૦૦૦ માંથી લગભગ ૪૬,૦૦૦ નવી ડેરી સહકારી મંડળીઓની રચના થઈ ચૂકી છે.
જે કાર્ય ગુજરાતમાં ત્રિભુવનદાસ પટેલે શરૂ કરેલી “અમૂલ” સફળતાની એક ગાથા છે, જેમાં અનેક પેઢીઓની મહેનત છે. આપણે ભારતને FMD રોગ મુક્ત કરી બતાવીશું. વર્ષ ૨૦૧૪માં જ્યાં ૨૩૮ રોગચાળાના કિસ્સા નોંધાતા હતા, તે હવે ઘટીને ૪૦ પર આવી ગયા છે. અમે ICAR અને ICMRને બોલાવીને કહીશું કે, તેમના વૈજ્ઞાનિકો બ્રુસેલોસિસ રસી પણ શોધે. આ પ્રસંગે તેમણે અમરેલીને પોતાના કેન્દ્રીય મંત્રી તરીકેના કાર્યકાળમાં રૂ. ૧૦૦ કરોડનું ગીર ગાયના આઇ.વી.એફ અને સંવર્ધન માટે સેન્ટર ઓફ એક્સેલન્સની ભેટ આપવા માટે રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ ભાઈ રૂપાલાને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી અને રાજકોટના સાંસદશ્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ અધ્યક્ષ સ્થાનેથી ઉદ્દબોધન કરતા કહ્યું હતું કે, આઇ.વી.એફની પદ્ધતિથી સેક્સ શોર્ટેડ સીમેન થકી ફક્ત વાછરડીનો જ જન્મ થાય તેવી ટેકનોલોજી ઉપલબ્ધ થઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો આ પ્રયોગમાં સહભાગી થશે તો પશુપાલન થકી નવી વૈકલ્પિક રોજગારી મળશે.
આ તકે ઈફકોના ચેરમેનશ્રી દિલિપભાઈ સંઘાણીએ વિવિધ મંડળીઓની સહકારી પ્રવૃત્તિ અને ઈફકોની પ્રવૃત્તિ વિશે મંત્રીશ્રીને માહિતી આપી હતી. આ પ્રસંગે ઈફકો દ્વારા ખેડૂતોને મોપેડ ઓપરેટેડ સ્પ્રે પમ્પિંગ મશીનનું ચાવી આપી લાભ વિતરણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કેમ્પસના પરિસરમાં “એક પેડ માં કે નામ” અંતર્ગત આંબાની કલમ વાવી અને વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ યોજના અંતર્ગત શ્રેષ્ઠ મંડળીઓ, પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું જ્યારે આંતરાષ્ટ્રીય કો-ઓપરેટિવ અલાયન્સના ઉપપ્રમુખ શ્રી પ્રિતી બહેન પટેલે આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મહાવીર બાપૂ, પૂર્વ સાંસદશ્રી નારણ , ઈફકોના માર્કેટીંગ ડાયરેક્ટશ્રી યોગેન્દ્ર કુમાર, અમરેલી જિલ્લા ખરીદવેચાણ સંઘના પ્રમુખશ્રી જયંતિભાઈ પાનસુરિયા, શ્રી ગીતા બહેન સંઘાણી, શ્રી અતુલ ભાઈ કાનાણી, શ્રી હિરેનભાઈ હીરપરા, શ્રી મનિષભાઈ સંઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
















Recent Comments