અમરેલી

સાવરકુંડલાનું ગૌરવ: કબીર ટેકરીની સેવાગાથાને શબ્દબદ્ધ કરનાર શિક્ષક મનીષભાઈ વિંઝુડાનું ભવ્ય સન્માન

સાવરકુંડલાની પવિત્ર કબીર ટેકરી ખાતે યોજાયેલા એક ભાવસભર કાર્યક્રમમાં “માનવતાની મહેક – કબીર ટેકરી” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કબીર ટેકરી દ્વારા વર્ષોથી ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓને આ પુસ્તકમાં સુંદર રીતે આલેખવા બદલ સહ-લેખક અને શિક્ષક શ્રી મનીષભાઈ બી. વિંઝુડાનું વિશાળ જનમેદની વચ્ચે શાલ, પુષ્પગુચ્છ અને સન્માનપત્ર અર્પણ કરીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

​આ પુસ્તકમાં કબીર ટેકરી દ્વારા અવિરત ચાલતી માનવસેવા, અન્નસેવા, ગૌસેવા અને જીવદયાનો વિગતવાર ચિતાર આપવામાં આવ્યો છે. ખાસ કરીને શિવરાત્રી મેળા દરમિયાન યાત્રાળુઓ માટે ભોજન-રાહત, ચા-પાણી અને ઉતારાની સેવાઓ, નિર્મળ સાહેબ ટિફિન સેવા અંતર્ગત અશક્ત અને જરૂરિયાતમંદો સુધી પહોંચાડાતું ભોજન તેમજ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગાંઓ માટે કરાતી સેવાઓની પ્રેરણાદાયી નોંધ લેવામાં આવી છે. આ ઉપરાંત પક્ષીઓ માટે ચણ-પાણી અને ગૌશાળાની પ્રવૃત્તિઓ પણ કબીર ટેકરીની સેવાયાત્રાની ઓળખ બની રહી છે.

​સંતો-મહંતો, શિક્ષકો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલું આ સન્માન સાવરકુંડલા માટે ગૌરવની ક્ષણ બની રહ્યું હતું. આ પુસ્તક માત્ર એક ગ્રંથ નથી, પરંતુ કબીર ટેકરીની સેવા અને સંસ્કારની મહેકને નવી પેઢી સુધી પહોંચાડતો એક અમૂલ્ય પ્રેરણાદાયી દસ્તાવેજ સાબિત થશે.

Related Posts