સાવરકુંડલા શહેરમાં લોકહિત અને જાહેર સેવાના પ્રતીકરૂપે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપવા માટે ગુજરાત રાજપૂત યુવા સંઘ, સાવરકુંડલા દ્વારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, આઝાદ ભારતના લોકશાહી સ્થાપનાના સમયમાં દેશના ૫૬૨ રજવાડાઓમાંથી સૌપ્રથમ પોતાનું રાજ્ય અર્પણ કરનાર ભાવનગરના મહારાજા સાહેબ પ્રાતઃસ્મરણીય શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલના રાષ્ટ્રહિત માટેના યોગદાનને યાદ કરવું જરૂરી છે. તેમના ત્યાગ, બલિદાન અને લોકહિતના કાર્યોને કારણે આજે પણ તેઓ લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે.
ગુજરાત રાજપૂત યુવા સંઘની રજૂઆતમાં જણાવાયું છે કે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલના ૧૮૦૦ પાદર પૈકી સાવરકુંડલાનો પણ સમાવેશ થતો હતો. સાવરકુંડલા શહેરમાં મહારાજા સાહેબ દ્વારા વિવિધ સંસ્થાઓને લોકઉપયોગ માટે જમીનો વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ ઉપરાંત સાવરકુંડલા માટે અનેક લોકહિતલક્ષી અને સેવાકીય કાર્યો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા.
મહારાજા સાહેબના આવા સેવાકીય કાર્યો અને રાષ્ટ્રહિતમાં આપેલા યોગદાનની યાદગીરી કાયમી જળવાઈ રહે તે હેતુથી સાવરકુંડલા શહેરના મણીભાઈ ચોક ખાતે શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપવાની માંગણી કરવામાં આવી છે.
રજૂઆતકર્તાઓએ વધુમાં જણાવ્યું કે ભૂતકાળમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા દ્વારા મહારાજા સાહેબની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરવામાં આવી જ હતી અને મહારાજા સાહેબ પ્રત્યેની લાગણી તથા આદરને ધ્યાનમાં રાખીને હવે તેમની પૂર્ણ કદની પ્રતિમા યોગ્ય સ્થળે સ્થાપવામાં આવે તે જરૂરી છે.
આ અંગે ગુજરાત રાજપૂત યુવા સંઘ, સાવરકુંડલાના પ્રમુખ રામદેવસિંહ પી. ગોહિલ તથા ઉપપ્રમુખ વિજયસિંહ બી. વાઘેલા અને અનિરુદ્ધસિંહ રાઠોડ દ્વારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને લેખિત રજૂઆત કરી પ્રતિમા સ્થાપવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતની નકલ સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નયનાબેન કાપડિયાને પણ પાઠવવામાં આવી છે.
રાજપૂત યુવા સંઘે આશા વ્યક્ત કરી છે કે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલના રાષ્ટ્રપ્રેમ, ત્યાગ અને લોકસેવાની ભાવનાને સન્માન આપતી આ માંગણીને તંત્ર અને જનપ્રતિનિધિઓ દ્વારા હકારાત્મક રીતે લેવામાં આવશે અને સાવરકુંડલામાં તેમની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપવાનો માર્ગ પ્રશસ્ત થશે.


















Recent Comments