સાવરકુંડલા શહેર સહિત સમગ્ર આસપાસના ગ્રામ્ય પંથકમાં દોઢ મહિનાથી વધુ સમયના લાંબા અંતરાલ બાદ આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધીમી ધારે પધરામણી કરી છે. ટપ-ટપ વરસતા વરસાદી પાણીએ મુરઝાતી ખેતી માટે અમૃત વર્ષા સમાન ભૂમિકા ભજવી છે, જેનાથી કપાસ, મગફળી અને સોયાબીન જેવા મહત્વના પાકોને નવજીવન મળ્યું છે. છેલ્લા દોઢેક મહિનાથી વરસાદ ખેંચાતા સુકાઈ રહેલી મોલાતને આ ઝાપટાંથી મોટો ટેકો મળ્યો છે, જેને પગલે ખેડૂત આલમમાં ખુશાલી વ્યાપી ગઈ છે.
ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા હવે ભારે વરસાદની જરૂરિયાત
ધીમી ધારના વરસાદથી પાકને સાચવી લેવા પુરતું પાણી મળ્યું છે, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂગર્ભ જળના તળ ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે. માત્ર હળવા ઝાપટાં કે ધીમી ધારથી તળ ઊંચા આવે તેમ ન હોવાથી, આગામી શિયાળુ અને ઉનાળુ પાકના સુચારુ વાવેતર તેમજ સિંચાઈ માટે પંથકમાં એક ધમધોકાર અને મુસળધાર વરસાદ થાય તે અત્યંત જરૂરી બન્યું છે. જેને લઈને ખેડૂતો હાલ એક સારા અને ભારે વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
સ્વાતિ નક્ષત્રના ‘અમૃત જળ’ પર ખેડૂતોની આશા
હાલ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે ત્યારે વાતાવરણનો તાપ અને વરસાદ પાકને પકવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જ્યોતિષીય ગણતરી મુજબ આવતીકાલે બપોરે ૧:૫૭ વાગ્યાથી ‘સ્વાતિ નક્ષત્ર’ બેસી રહ્યું છે, જે તારીખ ૧૫મીના રોજ બપોરે ૩:૨૩ વાગ્યા સુધી રહેશે. પૌરાણિક માન્યતા અને લોકવાયકા મુજબ સ્વાતિ નક્ષત્રમાં વરસતું પાણી અત્યંત પવિત્ર અને ‘અમૃત’ સમાન ગણાય છે. વરસાદી પાણી પાક માટે પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો સ્વાતિ નક્ષત્રના આ શુભ ગાળામાં મેઘરાજા મન મૂકીને વરસી પડે, તો આતુરતાથી રાહ જોઈ રહેલા ધરતીપુત્રો માટે તે ખરા અર્થમાં સંજીવની આશીર્વાદરૂપ સાબિત થશે.


















Recent Comments