રાજકારણ, સત્તા અને હોદ્દાઓથી પર રહીને સાચી મિત્રતા અને માનવીય સંબંધો કેવી રીતે નિભાવી શકાય, તેની એક અત્યંત ભાવુક અને અનોખી મિસાલ સાવરકુંડલામાં જોવા મળી છે. ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ પોતાના બાળપણના પરમ મિત્ર ઉમરભાઈ ઝાખરાના નિધનના સમાચાર મળતા જ તમામ રાજકીય પ્રતિષ્ઠા બાજુ પર મૂકીને એક સાચા મિત્ર તરીકે સાવરકુંડલા પહોંચી મૈત્રીધર્મ નિભાવ્યો હતો.
સાવરકુંડલાના કરીમભાઈ ઝાખરાના પુત્ર અને ગુજરાત સરકારના પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત કર્મચારી ઉમરભાઈ ઝાખરાનું ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું. થોડા દિવસો અગાઉ જ *બંને મિત્રો વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં ઉમરભાઈએ રાજેન્દ્રસિંહજીને ભાવુકતાથી કહ્યું હતું કે, “ઘરે આવજો, બંને સાથે ચા પીશું.” જોકે, બંને રૂબરૂ મળે તે પહેલાં જ ઉમરભાઈએ દુનિયામાંથી વિદાય લીધી. મિત્રની આ સાધારણ વિનંતી જોતજોતામાં તેમની અંતિમ ઈચ્છા બની ગઈ હતી.*
બાળસખાના અવસાનના સમાચાર મળતા જ રાજેન્દ્રસિંહ રાણા ભાવનગરથી તાત્કાલિક સાવરકુંડલા દોડી આવ્યા હતા. તેમણે ઝાખરા પરિવારના ઘરે પહોંચી શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મિત્રને આપેલો વચનીક કોલ પૂરો કરવા તેમણે તેમના ઘરે બેસીને ચા પીધી હતી અને ભાવુક બની જણાવ્યું હતું કે, *”મિત્ર સાથે રૂબરૂ બેસીને ચા ન પી શક્યાનો અફસોસ કાયમ રહેશે.”*
ત્યારબાદ તેઓ પોતાના બાળસખાની કબર પર પહોંચ્યા હતા, *જ્યાં શ્રદ્ધાસુમન અર્પણ કરી અને ચાદર ચડાવી ગહન પ્રાકૃતિક પ્રાર્થના કરી હતી. આ ક્ષણે પૂર્વ સાંસદ પોતાની આંખોના આંસુ રોકી શક્યા નહોતા.*
રાજેન્દ્રસિંહ રાણા સાથે તેમના નાના ભાઈ તેમજ ભાવનગરથી અન્ય મિત્રો પણ પરિવારને દિલાસો આપવા આવ્યા હતા. *આ વેળાએ ઝાખરા પરિવારના અલીભાઈ ઝાખરા, હુસેનભાઈ, કાળુભાઈ, ભત્રીજા ફારૂકભાઈ તેમજ મૃતકના પુત્રો એજાજ અને શાહિદ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.* ઉમરભાઈના નિધનથી સમગ્ર વિસ્તાર અને મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે રાજેન્દ્રસિંહ રાણા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને ભાવનગર લોકસભા બેઠક પરથી સતત પાંચ વખત સાંસદ તરીકે ચુંટાયા છે. પરંતુ, આ દુઃખની ઘડીમાં તેમની રાજકીય ઓળખ ક્યાંય આડે આવી નહોતી. *એક પૂર્વ સાંસદ તરીકે નહીં પરંતુ માત્ર એક બાળસખા અને ‘લંગોટિયા યાર’ તરીકે તેમણે બજાવેલી આ ફરજ સાવરકુંડલા અને સમગ્ર પંથકમાં માનવીય મૂલ્યો અને દોસ્તીની અનોખી મિસાલ તરીકે ચર્ચાનો વિષય બની છે.*


















Recent Comments