દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન અભિયાન અંતર્ગત નાગરિકોના સર્વાંગી ઉત્થાન અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને વેગ આપવા માટે રાજ્યભરમાં વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજના છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાની સાથે-સાથે નવી પેઢીમાં રાષ્ટ્રચેતના અને વૈજ્ઞાનિક અભિગમ જાગૃત કરવો એ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ જ કડી અંતર્ગત ગ્રામીણ અને તાલુકા સ્તરે બાળકોની સુષુપ્ત શક્તિઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ અભિયાનના ભાગરૂપે આજરોજ બી.આર.સી. ભવન કુંકાવાવ ખાતે તાલુકા કક્ષાની ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેરણાદાયી પ્રસંગે ગુજરાત રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સ્પર્ધક બાળકોના ઉત્સાહને બિરદાવ્યો હતો.
આ સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનો મુખ્ય લક્ષ્યાંક દેશના ઉજ્જવળ ભવિષ્ય સમાન બાળકોમાં વિકસિત ભારતની નેમને સાકાર કરવાનો છે. આ સ્પર્ધા દરમિયાન દેશની વૈજ્ઞાનિક ક્ષમતા અને ભવિષ્યના રોડમેપને દર્શાવતા વિવિધ વિષયો કેન્દ્રસ્થાને રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ વિકસિત ભારત @ ૨૦૪૭, ગગનયાન મિશન, ચંદ્રયાન-૩ મિશન, અને પુનઃપ્રાપ્ય ઊર્જા જેવા રાષ્ટ્રના મહત્વકાંક્ષી વિષયો પર પોતાની કલ્પનાશક્તિના રંગો પુરીને અદભુત ચિત્રો દોર્યા હતા તેમજ વકૃત્વ સ્પર્ધામાં પોતાના પ્રભાવશાળી વિચારો રજૂ કર્યા હતા. કાયદો અને ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ બાળકોની સર્જનાત્મકતા અને અસાધારણ પ્રતિભાને દેશના બદલાતા ચિત્ર સમાન ગણાવી હતી.
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત કુંકાવાવ તાલુકાકક્ષાની ચિત્ર અને વકૃત્વ સ્પર્ધામાં કુંકાવા તાલુકા પંચાયત હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ, વિવિધ શાળાના શિક્ષખશ્રીઓ, અને બહોળી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


















Recent Comments