અમરેલી

સાવરકુંડલામાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું: મહુવા રોડથી નાવલી સુધી ડિમોલેશન

સાવરકુંડલા શહેરમાં વર્ષોથી સતાવતી ટ્રાફિકની જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને જાહેર માર્ગોને દબાણમુક્ત કરવા વહીવટી તંત્ર દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગ એવા મહુવા રોડથી નાવલી નદી સુધીના વિસ્તારમાં વહેલી સવારથી જ વિશાળ કાફલા સાથે મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

​તંત્રના આ સરપ્રાઈઝ મેગા ઓપરેશનથી ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. મહુવા રોડથી નાવલી સુધીના રોડ પર રસ્તાને અવરોધરૂપ ઊભા કરાયેલા ગેરકાયદેસર છાપરાં, ઓટલા તથા અન્ય નાના-મોટાં કાચા-પાકાં દબાણો પર બુલડોઝર ફેરવીને માર્ગો ખુલ્લા કરાવવામાં આવ્યા હતા. તંત્રની કડક કાર્યવાહી જોઈને અનેક જાગૃત વેપારીઓએ પરિસ્થિતિ પારખીને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવાનું શરૂ કરી દીધું હતું.

​આ દબાણ હટાઓ ઝુંબેશને સફળ બનાવવા માટે સમગ્ર વહીવટી તંત્ર એકજૂથ થઈને મેદાને ઉતર્યું હતું. જેમાં મહેસૂલ વિભાગ, સાવરકુંડલા નગરપાલિકા, સિટી સર્વે, PGVCL અને પોલીસ વિભાગની ટીમો સંયુક્ત રીતે જોડાઈ હતી. સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતા કોઈ અપ્રિય બનાવ વગર કામગીરી પૂર્ણ થઈ હતી.

​અધિકારીઓએ જણાવ્યું હતું કે, અનાધિકૃત દબાણોના કારણે અવારનવાર સર્જાતા ટ્રાફિક જામમાંથી નાગરિકોને મુક્તિ અપાવવા આ કાર્યવાહી અનિવાર્ય હતી. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે શહેરના અન્ય માર્ગો પરના ગેરકાયદેસર દબાણો પણ સ્વેચ્છાએ દૂર કરી દેવા, અન્યથા આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ડિમોલેશન કાર્યવાહી યથાવત રહેશે. વહીવટી તંત્રના આ પ્રજાલક્ષી પગલાંથી સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે બીજી તરફ સ્થાનિકોમાં તંત્રની તટસ્થતા અને પક્ષપાતી વલણ સામે નારાજગી વ્યાપી છે.

Related Posts