અમરેલી

ટ્રેન મોડી પડવાથી એસી પ્રતિક્ષાલયમાં પ્રતિક્ષા કરવાનો ચાર્જ ચૂકવવો પડે છે…રેલ્વે તંત્રની ખુલ્લી લૂંટ: ટ્રેન ૪ કલાક મોડી છતાં એસી પ્રતીક્ષા ખંડમાં બેસવાના મુસાફરો પાસેથી વસૂલાતા મસમોટા ચાર્જ !!

ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધાના નામે ખાનગીકરણ કરીને ચલાવવામાં આવી રહેલી લૂંટનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. હરિદ્વાર જેવા પવિત્ર યાત્રાધામમાં રેલ્વે સ્ટેશન પર ટ્રેનની વાટ જોઈ રહેલા યાત્રીઓ સાથે રેલ્વે અને ખાનગી કન્ટ્રાક્ટરની મિલીભગતથી ઉઘાડી વસૂલાત કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.

​સાવરકુંડલાના રહીશ રાજેન્દ્ર એસ. ભરખડાએ જણાવ્યા મુજબ, તેઓ હરિદ્વારથી મથુરા જવા માટે ટ્રેન નંબર ૧૮૪᱗૮ (કલિંગ ઉત્કલ એક્સપ્રેસ) માં AC ૩-ટાયર (3A) ની કન્ફર્મ ટિકિટ ધરાવતા હતા. જોકે, રેલ્વે તંત્રની બેદરકારીના કારણે આ ટ્રેન ૪ કલાકથી પણ વધુ સમય મોડી (રિ-શેડ્યૂલ) થઈ હતી.

ટ્રેન કલાકો સુધી મોડી હોવાને કારણે મુસાફરો માટે સ્ટેશન પર રોકાવું મજબૂરી બની ગયું હતું. પરંતુ હરિદ્વાર સ્ટેશન પર “New Nabaratna Hospitality Pvt Ltd” નામના ખાનગી ઠેકેદાર દ્વારા સંચાલિત એસી પ્રતીક્ષા લૉન્જમાં પ્રવેશવા અને બેસવા માટે યાત્રીઓ પાસે કલાક દીઠ વસૂલાત કરવામાં આવી રહી છે.

​બેસવાનો દર: પ્રતિ વ્યક્તિ પ્રતિ કલાક ₹૩૦ (૫ થી ૧૨ વર્ષના બાળકો માટે ₹૨૦).

​વિશ્રામ ખુરશી (મસાજ/રિલેક્સ ચેર): ૧૦ મિનિટના ₹૫૦ અને ૨૦ મિનિટના ₹૮૦!

​લૉકર સુવિધા: ૨૪ કલાકના ₹૫૦ થી ₹૭૦ સુધીનો ચાર્જ.

*​કન્ફર્મ ટિકિટધારક હોવા છતાં, જો ટ્રેન રેલ્વેના પોતાના વાંકે મોડી પડે, તો મુસાફે કલાકો સુધી સ્ટેશન પર બેસવા માટે ખાનગી કોન્ટ્રાક્ટરને અલગથી નાણાં ચૂકવવા પડે તે કેવા પ્રકારનો ન્યાય? હરિદ્વાર એ એવું સ્થાન છે જ્યાં લોકો આત્માનું કલ્યાણ અને મનની શાંતિ મેળવવા જતાં હોય છે, શું આ તેનો પુરસ્કાર છે? તેવી ચર્ચા બુદ્ધિજીવીઓમાં ચગી છે.*

એક તરફ કોરોના કાળ બાદ રેલ્વેએ સામાન્ય ભાડામાં વધારો કરી દીધો છે. *જે દેશમાં ૮૦ કરોડ લોકોને હજુ રાશન સહાય આપવી પડતી હોય, ત્યાં આવી લક્ઝુરિયસ સુવિધાના ઓઠા હેઠળ પ્રતીક્ષાલયના નામે સેવાનો વધારાનો ચાર્જ વસૂલવો તદ્દન અયોગ્ય છે. રેલ્વે એ એક સેવાકીય માધ્યમ છે, નફો કમાવા માટેનું પ્રોફેશનલ સાધન તો  નથી જ* આ બાબતે સાવરકુંડલાના જાગૃત યાત્રીએ પ્રતીક્ષાલયની રસીદ સાથે માનનીય રેલ્વે મંત્રીશ્રીને ઓનલાઇન ફરિયાદ નોંધાવી છે

રેલ્વે મંત્રાલય અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક આ બાબતે દખલગીરી કરે અને કન્ફર્મ ટિકિટ ધરાવતા યાત્રીઓ માટે, ખાસ કરીને જ્યારે ટ્રેન મોડી હોય ત્યારે, નિઃશુલ્ક વેઇટિંગ રૂમની સુવિધા સુનિશ્ચિત કરે તેવી લોકમાંગ ઉઠી છે.

Related Posts