ભાવનગર

ચરાડવા ખાતે પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાના હસ્તે જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

આ પ્રસંગે ડો. એચ. એલ. ત્રિવેદીના ધર્મપત્ની સુનિતાબહેન ત્રિવેદી, લાયબ્રેરીના દાતા પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી, સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી શાહબુદીન રાઠોડ , ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના કુલપતિ શ્રી ટી. એસ. જોષી, નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદી તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ડો. એચ એલ ત્રિવેદી જ્યારે હૈયાત હતા ત્યારે એમની ઈચ્છા હતી કે એમના પિતૃક મકાનમાં એક સાર્વજનિક પુસ્તકાલય બને જે ઈચ્છા જગદીશ ત્રિવેદી દ્વારા પુરી કરવામાં આવી હતી. જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત આ અગીયારમું પુસ્તકાલય છે.

વિશ્વવિખ્યાત કિડની નિષ્ણાત અને સેવાના ભેખધારી સ્વ. ડો. એચ. એલ. ત્રિવેદીની પાવન સ્મૃતિમાં તેઓની જન્મભૂમિ ચરાડવા ખાતે નવનિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ સંપન્ન થયુ ત્યારે ચરાડવાના ગ્રામજનો ખૂબજ રાજી થયા હતા.

કેનેડાની ધીકતી તબીબી પ્રેક્ટિસ અને કરોડોના વૈભવને ત્યજીને માતૃભૂમિનું ઋણ ચૂકવવા ભારત પરત ફરેલા ડો. એચ. એલ. ત્રિવેદીએ અમદાવાદ ખાતે એશિયાની સર્વશ્રેષ્ઠ કિડની હોસ્પિટલનું નિર્માણ કરી લાખો દર્દીઓને નવજીવન આપ્યું હતું.

​તબીબી જગત માટે સદાય પ્રેરણારૂપ રહેશે ડો.એચ.એલ. ત્રિવેદી: ભાઈશ્રી રમેશભાઈ ઓઝા.

​શ્રાદ્ધ પક્ષમાં આ ગ્રંથાલયનું ભાગવતકથાકાર પૂજ્ય ભાઈશ્રીના વરદહસ્તે લોકાર્પણ એ ડો. ત્રિવેદીનું શ્રેષ્ઠ તર્પણ છે: જગદીશ ત્રિવેદી 

પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ડો. ત્રિવેદી સાહેબનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવામાં સહભાગી થવાની તક મળી તે મારું સૌભાગ્ય છે.

​

આ પુસ્તકાલય સાહેબના સપનાની સાચી અંજલિ: સુનિતાબેન ત્રિવેદી

સુનિતાબેન ત્રિવેદીએ ભાવુક સ્વરે જણાવ્યું કે ડોક્ટર સાહેબની હંમેશાં એવી ઈચ્છા હતી કે વતનના બાળકો અને યુવાનો શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે. આજે આ પુસ્તકાલયના નિર્માણથી તેમનું સ્વપ્ન સાકાર થયું છે. આ કાર્યમાં આર્થિક સહયોગ આપનાર જગદીશ ત્રિવેદીના અમે આભારી છીએ

Related Posts