આજરોજ સાવરકુંડલા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માં જગદંબાની આરાધના, ભક્તિ અને આસ્થાના મહાપર્વ નવરાત્રીનો પવિત્ર પ્રારંભ થયો છે. પ્રથમ નોરતે જ માઇભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
બજારોમાં પૂજા-સામગ્રી અને શણગાર ખરીદવા ભક્તોની ભીડ
નવરાત્રીના પ્રથમ દિવસે જ શહેરના મુખ્ય બજારોમાં ભક્તિમય ધમાધમાટ જોવા મળેલ. ઠેર-ઠેર માતાજીના વસ્ત્રો, આકર્ષક શણગાર, ધૂપ-દીપ અને પૂજા-પ્રસાદની સામગ્રીની ખરીદી માટે માઇભક્તોનો ભારે ધસારો રહ્યો હતો. આ પવિત્ર દિવસોમાં વ્રત, ઉપવાસ અને અનુષ્ઠાન થશે
આજે નવરાત્રીના પાવન અવસરે સાવરકુંડલા શહેરમાં વિવિધ સ્થળોએ માતાજીની મૂર્તિઓના અત્યંત આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આજે રાત્રે સમગ્ર શહેર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠશે. શહેરના મુખ્ય અને જાહેર માર્ગો પર ઠેર-ઠેર ધજા-પતાકાઓ તથા ઝગમગતી ઇલેક્ટ્રિક સીરીઝથી સુંદર શણગાર કરવામાં આવેલ છે, જેનાથી સમગ્ર શહેર મા અંબેની ભક્તિ અને આરાધનામાં લીન થયેલું જોવા મળશે.
નવરાત્રી પર્વ દરમિયાન આગામી નવ દિવસ સુધી જગતજનની મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા-અર્ચના, મહાઆરતી અને રાસ-ગરબાના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. મંદિરો અને વિવિધ ગરબી મંડળોમાં ભક્તો માટે વિશેષ દર્શન અને આરાધનાની વ્યવસ્થા કરવામાં આવી છે. યુવા પેઢી પણ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવવા ભારે આતુર બની છે.
મા શક્તિના આ પવિત્ર પર્વે સમગ્ર સાવરકુંડલા શહેર “જય અંબે” અને “જય બહુચર”ના નાદ સાથે આસ્થા અને સંસ્કૃતિના અનોખા સમન્વયમાં ગરકાવ થઈ ગયું છે.

















Recent Comments