સાવરકુંડલા શહેરમાં વિધિવત રીતે ચોમાસું પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ શિયાળાના પ્રારંભના કોઈ જ એંધાણ વર્તાતા નથી. સામાન્ય રીતે નવરાત્રિની શરૂઆત થતાં જ વાતાવરણમાં હળવી ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ બિલકુલ વિપરીત જોવા મળી રહી છે. ચોમાસા બાદ શિયાળાને બદલે જાણે સીધો ઉનાળો જ આવ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. સમગ્ર દિવસ દરમિયાન તાપમાનનો પારો એટલો ઊંચો રહે છે કે કાળઝાળ ઉનાળા જેવો અહેસાસ થઈ રહ્યો છે.
બપોરના સમયે કાળઝાળ તડકો અને અસહ્ય શેકાડાને કારણે લોકો ઘર કે ઓફિસમાં પંખા અને એ.સી.નો સહારો લેવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં, શિયાળાના આગમનની છાંટ આપતી વહેલી સવારની ઠંડક પણ આ વર્ષે સંપૂર્ણપણે ગાયબ જોવા મળે છે.
હાલ નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને આજે પાંચમું નોરતું છે. મોડી રાત સુધી ખેલૈયાઓ અને નાગરિકો રાસ-ગરબાની રમઝટ અને ઉત્સવનો આનંદ માણી રહ્યા છે, પરંતુ સતત બફારા અને ગરમીના કારણે રાત્રિ દરમિયાન પણ લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. આ ગરમીમાં રાહત મેળવવા માટે લોકો માર્કેટમાં ઠંડા પીણાં, આઇસ્ક્રીમ, લચ્છી અને નારિયેળ પાણીની મોજ માણતાં નજરે પડી રહ્યા છે.
શારીરિક સ્વાસ્થ્ય માટે શિયાળાની ઋતુને ઉત્તમ ગણવામાં આવે છે, ત્યારે સાવરકુંડલાવાસીઓ અને ગરબા રસિકો મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરી રહ્યા છે કે વાતાવરણમાં વહેલી તકે પલટો આવે અને આ અસહ્ય ગરમીમાંથી મુક્તિ મળીને શિયાળાની ગુલાબી ઠંડીનો પ્રારંભ થાય.

















Recent Comments