અમરેલી

સાવરકુંડલામાં રાંધણગેસના સિલિન્ડર માટે શિક્ષકો પરેશાન: પ્રાંત અધિકારીને રજૂઆત કરી ઓન-ડ્યુટી રજાની માગણી કરી

​સાવરકુંડલા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી રાંધણગેસના સિલિન્ડર (ગેસ બોટલ) મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે શિક્ષકો દ્વારા પ્રાંત અધિકારીશ્રી) પ્રાત કચેરી, મહુવા રોડ, સાવરકુંડલા)ને લેખિતમાં રજૂઆત કરી ઉકેલ લાવવા અથવા ગેસ બોટલ ન મળે ત્યાં સુધી ‘ઓન-ડ્યુટી’ રજા મંજૂર કરવા માગણી કરવામાં આવી છે.  

​રજૂઆતમાં જણાવ્યા અનુસાર, શાળાનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૧૫ સુધીનો હોય છે અને ટૂંક સમયમાં જ વાર્ષિક/સત્ર પરીક્ષાઓ પણ શરૂ થઈ રહી છે. બીજી તરફ, સાવરકુંડલા શહેરમાં આવેલ દેવળા ગેટ ખાતેની એરો ગેસ એજન્સી દ્વારા ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવામાં ભારે ધાંધિયા જોવા મળી રહ્યા છે. શિક્ષકોનો આરોપ છે કે એજન્સી દ્વારા ફોન ઉપાડવામાં આવતા નથી અને ઓનલાઈન બુકિંગ કરાવ્યા બાદ ઓનલાઈન નાણાં ચૂકવી દીધા હોવા છતાં એજન્સી દ્વારા બુકિંગ કેન્સલ કરી દેવાય છે. પરિણામે ઓનલાઈન પેમેન્ટ કરવા છતાં શિક્ષકોને સમયસર ગેસ સિલિન્ડર મળી રહ્યો નથી.  

​એજન્સીની ઓફિસે ગેસ બોટલ મેળવવા માટે લાંબી લાઈનો લાગે છે. શાળાનો સમય અને એજન્સીનો સમય એક સરખો હોવાથી શિક્ષકો પોતાની શાળાની ફરજ છોડીને લાઈનમાં ઊભા રહી શકતા નથી.  

​આ પરિસ્થિતિને ધ્યાને રાખી શિક્ષકોએ પ્રાંત અધિકારીશ્રી પાસે માગ કરી છે કે:

૧. આગામી ૨ થી ૩ દિવસમાં તમામ શિક્ષકોને ગેસ સિલિન્ડર મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

૨. અથવા જ્યાં સુધી ગેસ બોટલ ન મળે ત્યાં સુધી શિક્ષકોને એજન્સીએ લાઈનમાં ઊભા રહેવા માટે ‘ઓન-ડ્યુટી’ રજા ગણવાનો હુકમ કરવામાં આવે.  

​શિક્ષકોએ ચીમકી પણ આપી છે કે જો આગામી ૨ થી ૩ દિવસમાં આ સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે, તો તમામ શિક્ષકો પ્રાંત અધિકારીશ્રીની કચેરી સમક્ષ ‘રામધૂન’ બોલાવી વિરોધ પ્રદર્શન કરવા મજબૂર બનશે.  

​આ રજૂઆતની નકલ પ્રમુખશ્રી (તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ – સાવરકુંડલા) તથા સ્થાનિક ધારાસભ્યશ્રી મહેશભાઈ કાસવાળાને પણ જાણ અર્થે મોકલવામાં આવી છે.

Related Posts