ભાવનગર

‘હર ઘર તિરંગા’ના રાષ્ટ્રભાવના સંદેશ સાથે ૧૩ ઓગસ્ટે ભાવનગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની ભાવનાને જન-જન સુધી પહોંચાડવાના
ઉદ્દેશ્ય સાથે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તા.૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ભાવનગર શહેરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા
યાત્રા યોજાશે. આ યાત્રાના આયોજન અંગે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષસ્થાને
બેઠક યોજાઈ હતી.
તિરંગા યાત્રા તા. ૧૩ ઓગસ્ટના રોજ સાંજે ૪:૦૦ કલાકે એ.વી. સ્કૂલ મેદાન ખાતેથી પ્રસ્થાન કરશે. શહેરના ગરાસિયા બોર્ડિંગ,
ભીડભંજન, ઘોઘા ગેટ, એમ.જી.રોડ, વોરા બજારનું નાકું, બાર્ટન લાઇબ્રેરી, હલુરિયા, શહીદ સ્મારક અને કાવેરી કોમ્પ્લેક્સ ચોક
સહિતના માર્ગો પરથી પસાર થઈ પરત એ.વી. સ્કૂલ મેદાન ખાતે પૂર્ણ થશે.
બેઠકમાં કમિશનરશ્રીએ તિરંગા યાત્રામાં શાળા- કોલેજોના વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, એન.એસ.એસ.
તથા એન.સી.સી.ના કેડેટ્સ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્થાનિક એનજીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોની ઉત્સાહભેર ભાગીદારી
સુનિશ્ચિત કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ યાત્રા માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને
રાષ્ટ્રપ્રેમની ભાવનાને જનભાગીદારી સાથે ઉજાગર કરતું જનઅભિયાન બને તે દિશામાં આયોજન કરવા કમિશનરે સૂચના આપી
હતી.
તિરંગા યાત્રાના રૂટ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાનું સુચારુ સંચાલન થાય તે
માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. યાત્રા પૂર્ણ થયા બાદ પણ સમગ્ર રૂટ પર તાત્કાલિક સ્વચ્છતા જળવાઈ રહે તે માટે
સંબંધિત વિભાગોને જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર આયોજનને અસરકારક રીતે પાર પાડવા માટે ૨૪ જેટલા વિવિધ
વિભાગોને કામગીરી સોંપી પરસ્પર સંકલન સાથે સમયબદ્ધ આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં મેયર શ્રીમતી ઉષાબેન તલરેજા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી કિશનભાઈ મહેતાએ જરૂરી રચનાત્મક સૂચનો કર્યા
હતા.
બેઠકમાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૦૦૦

Related Posts