અમરેલી

માનવ સેવા સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ: 108ના કર્મચારીઓએ અકસ્માતગ્રસ્ત દર્દીનો ₹76,500નો સામાન પરિવારને પરત સોંપ્યો

રાજુલા-ઉના રોડ પર ચારનાળા નજીક મોરી ગ્રુપ પાસે થયેલા માર્ગ અકસ્માત બાદ 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ માનવતા અને પ્રામાણિકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અકસ્માતમાં ઘાયલ થયેલા દાઢિયાળી ગામના હિંમતભાઈ ગોવાભાઈ સોલંકી (ઉ.વ. 50)ને તાત્કાલિક સારવાર આપવાની સાથે તેમની પાસે રહેલો કિંમતી સામાન પણ સુરક્ષિત રાખીને પરિવારજનોને પરત સોંપવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, અકસ્માતની જાણ થતાં જ નાગેશ્રી 108 એમ્બ્યુલન્સની ટીમના ઈએમટી રાજુભાઈ બાંભણિયા અને પાયલોટ બાલુભાઈ ગોહિલ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ઘાયલ હિંમતભાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

સારવાર દરમિયાન દર્દી સાથે કોઈ સ્વજન હાજર ન હોવાથી 108ની ટીમે તેમની પાસે રહેલો અંદાજે ₹76,500 રોકડ, વિવિધ બેંકોના ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ કિંમતી મોબાઇલ ફોન સહિતનો સામાન સુરક્ષિત રાખ્યો હતો. બાદમાં પરિવારજનોનો સંપર્ક કરી હોસ્પિટલ ખાતે હિંમતભાઈના ભત્રીજા અનકભાઈ પાંચાભાઈ સોલંકીને તમામ વસ્તુઓ રૂબરૂ સોંપવામાં આવી હતી.

108 સેવાના અમરેલી જિલ્લાના અધિકારી અમાનતઅલી નકવીએ જણાવ્યું હતું કે 108 સેવા માત્ર ત્વરિત તબીબી સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ દર્દીઓના હિત અને તેમની મિલકતની સુરક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે 108 સેવા લોકો માટે વિશ્વાસ અને ફરજનિષ્ઠાનું પ્રતિક બની ગઈ છે.

ઘાયલના પરિવારજનોએ 108ની ટીમની પ્રામાણિકતા અને સેવાભાવ માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકી અને જિલ્લા અધિકારી અમાનતઅલી નકવીએ પણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Related Posts