ગુજરાત

વડોદરા શહેરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં નીકળી વિશાળ તિરંગા યાત્રા

વડોદરા શહેરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં વડોદરા શહેરના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને હાથમાં તિરંગો ધારણ કરી દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી હતી.

તિરંગા યાત્રાનો પ્રારંભ નવલખી મેદાન ખાતેથી કરવામાં આવ્યો હતો. યાત્રાના પ્રારંભ પૂર્વે નવલખી મેદાન ખાતે વિવિધ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોએ ઉપસ્થિત નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી.

યાત્રા દરમિયાન ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, રવીન્દ્રનાથ ટાગોર સહિતના મહાનુભાવોના વેશભૂષા ધારણ કરીને આવેલા લોકો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રાષ્ટ્રભક્તિ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી આ રજૂઆતોને નગરજનોએ ઉત્સાહપૂર્વક વધાવી હતી.

નવલખી મેદાનથી તિરંગા યાત્રાનો પ્રારંભ બલૂન ઉડાડીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યાત્રા કીર્તિ સ્તંભ, લાલ કોર્ટ થઈ ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી હતી. સમગ્ર માર્ગ પર નગરજનોએ તિરંગા સાથે જોડાઈ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.

યાત્રા દરમિયાન માર્ગમાં આવેલી શહીદ ભગતસિંહ તથા મહાત્મા ગાંધીની પ્રતિમાને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તેમણે દેશની આઝાદી અને રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનારા મહાનુભાવોને નમન કર્યું હતું.

તિરંગા યાત્રામાં જોડાયેલા બાળકો તથા દિવ્યાંગ ભાઈ-બહેનો સાથે શ્રી સંઘવીએ આત્મીયતાપૂર્વક મુલાકાત કરી હતી. તેમણે સૌ સાથે પ્રેમપૂર્વક સંવાદ કરી તેમની ઉત્સાહભેર ભાગીદારીને બિરદાવી હતી. યાત્રામાં વિવિધ વર્ગના નાગરિકોની સહભાગિતાએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરી હતી.

ગાંધીનગર ગૃહ ખાતે પહોંચ્યા બાદ ભારત માતાની આરતી કરવામાં આવી હતી. ભારત માતાની આરતી સાથે ભવ્ય તિરંગા યાત્રાનું સમાપન થયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ યુવાનોને નશામુક્ત જીવન જીવવા તથા નશાના દુષણથી દૂર રહેવા અપીલ કરી હતી.

શ્રી સંઘવીએ યુવાનો દેશનું ભવિષ્ય અને રાષ્ટ્રની શક્તિ હોવાનું જણાવી નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર સામે સરકારની કડક પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા તત્વોને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ વેળાએ બ્રહ્મકુમારીઓ દ્વારા નશામુક્તિના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા.

આ વેળાએ રાજ્યમંત્રી ડો. મનિષાબેન વકીલ, દંડકશ્રી બાળકૃષ્ણભાઇ શુક્લ, સાંસદ ડો. હેમાંગ જોશી, મેેેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઇ દેસાઇ અને શ્રી સતિષભાઇ પટેલ, અગ્રણી શ્રી જયપ્રકાશ સોની, ઉપમેયર શ્રી આદિત્યભાઇ પટેલ, સ્થાયી ચેરમેન શ્રી વર્ષાબેન વ્યાસ, પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર, મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા.

Related Posts