વડોદરામાં પત્રકાર એકતા પરિષદ અને સત્યની શોધ દૈનિક અખબાર તેમજ SNS ન્યૂઝના સંયુક્ત ઉપક્રમે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માત્ર રક્તદાન પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ સમાજમાં એકતા, સહકાર અને માનવતાનો અનોખો સંદેશ આપતો પ્રસંગ બની રહ્યો.
ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી સહિત સંતો અને મહંતોની પવિત્ર હાજરીમાં યોજાયેલા આ કેમ્પમાં કોમી એકતાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો. વિવિધ ધર્મ અને સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા અને “દરેક માનવ શરીરમાં લોહીનો રંગ એક છે” એ સંદેશ દ્વારા ભેદભાવ વિના એકતાનો માર્ગ દર્શાવ્યો.
આ કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનું સ્મૃતિભેટ આપી સન્માન કરવામાં આવ્યું, જ્યારે બ્લડ ડોનેશન કરનાર દાતાઓને ગિફ્ટ સાથે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આથી યુવાનોમાં સેવા અને સામાજિક જવાબદારી પ્રત્યેનો ઉત્સાહ વધ્યો.
વડોદરાની બ્લડ બેન્ક દ્વારા ઉત્તમ આયોજન અને પૂરતા મેડિકલ સ્ટાફની વ્યવસ્થાથી સમગ્ર કેમ્પ સુવ્યવસ્થિત રીતે પાર પડ્યો હતો. ઉનાળાની ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.
કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે પત્રકાર એકતા પરિષદ ગુજરાતના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા, આઈટી સેલના નીતિન ઘેલાણી,ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી વાડી મંદિરના શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી, મુસ્લિમ સમાજના મૌલવીઓ મુફ્તી ઇમરાન, મુફ્તી ખલીક, ભોલુ બાપુ સહિતના આગેવાનો, તેમજ મેડિકલ એસોસિએશનના પ્રમુખ મિતેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ નવનિયુક્ત નગર સેવકો દીપા શ્રીવાસ્તવ, તીર્થ બ્રહ્મભટ્ટ અને પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું.
વાડી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર આ કેમ્પના યજમાન તરીકે યશભાગી બન્યું હતું. અહીં ઉપસ્થિત તમામ સંતો અને આગેવાનો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે દરેક સમાજમાં સારા અને નરસા લોકો હોય છે, પરંતુ કોઈ એક વ્યક્તિના કારણે સમગ્ર સમાજ કે ધર્મને દોષી ઠેરવવું યોગ્ય નથી.
પત્રકારત્વ વિશે પણ મહત્વપૂર્ણ વિચાર રજૂ થયો કે “પત્રકારોની કોઈ જાતિ કે ધર્મ નથી.” તેઓ દેશના બંધારણના ચોથા સ્થંભ તરીકે સત્ય અને ન્યાય માટે કાર્ય કરે છે. તેથી પત્રકારત્વને જાતિ-ધર્મના આધારે જોવાનો પ્રયાસ યોગ્ય નથી.
આ કેમ્પમાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ઉપપ્રમુખ હુસેનભાઈ મન્સુરી, જિલ્લા મંત્રી રિતેશ શાહ, મહિલા વિંગ વડોદરા જિલ્લા પ્રમુખ સેજલ ઉપાધ્યાય, આઈટી સેલના માલવ રાવલ તેમજ અન્ય હોદ્દેદારો સાથે “એકતા સમાચાર”ના તંત્રી ઉવેશ શેઠ, ઇમ્તિયાઝ વોહરા, અબરાર શેખ અને ઈર્શાદભાઈ ઉપસ્થિત રહી ખડે પગે સેવા આપી હતી.
આ રીતે, વડોદરામાં યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પ સમાજ માટે પ્રેરણાદાયી બની રહ્યો, જેમાં માનવતા, એકતા અને સેવાભાવનો સુંદર સંગમ જોવા મળ્યો.


















Recent Comments