૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાલુકા કક્ષાના યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. “યોગા ફોર હેલ્ધી એજિંગ” એટલે કે “સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ”ની થીમ સાથે નાગરિકો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, અધિકારી-કર્મચારીઓ અને યોગપ્રેમીઓએ ઉત્સાહભેર સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. અમરેલી જિલ્લામાં તાલુકાઓ અને નગરપાલિકા કક્ષાના કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને તાલુકા અને નગરપાલિકા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ જોડાયા હતા.
લાઠી ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષસ્થાને સામૂહિક યોગાભ્યાસ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ તાલીમબદ્ધ યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સામાન્ય યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કર્યો હતો.
આ વર્ષની થીમ “યોગા ફોર હેલ્ધી એજિંગ” વધતી ઉંમર સાથે શરીર અને મનને તંદુરસ્ત, સક્રિય તથા સંતુલિત રાખવા માટે યોગના મહત્વને ઉજાગર કરે છે. નિયમિત યોગાભ્યાસથી શરીરની લવચીકતા વધે છે, સ્નાયુઓ અને સાંધાઓને મજબૂતી મળે છે, શ્વસનતંત્રની કાર્યક્ષમતા સુધરે છે તેમજ માનસિક શાંતિ અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે.
યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા તણાવ, ચિંતા અને થાકમાં રાહત મળે છે. એકાગ્રતા વધે છે, ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે અને જીવનશૈલી સંબંધિત વિવિધ સમસ્યાઓના નિવારણમાં પણ યોગ સહાયક બને છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે યોગ સ્વાવલંબન, સ્ફૂર્તિ અને આત્મવિશ્વાસ જાળવવાનું અસરકારક માધ્યમ છે.
જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં પદાધિકારીશ્રીઓ, તાલુકા વહીવટીતંત્રના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સ્થાનિક પદાધિકારીઓ, શિક્ષણ અને રમતગમત વિભાગના પ્રતિનિધિઓ, સ્વયંસેવક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ઉપસ્થિત સૌએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ, સક્રિય અને સુખમય જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો.














Recent Comments