અમરેલી

માનવ સેવાનો અનોખો જળયજ્ઞ: સાવરકુંડલામાં ૪૦ વર્ષથી અવિરત ચાલતું ‘ઉતાવળ હનુમાનજી પાણીનું પરબ’

ધોમધખતા તાપમાં આપે 

જે શાંતિનો હાશકારો,

એ જ છે સાવરકુંડલાનું આ                            ‘ઉતાવળા હનુમાન’નું પરબ 

સૌનો સહારો 

​જ્ઞાતિ કે ભેદ વિના જ્યાં 

વહે છે અમૃતની અવિરત ધારા,

માનવતાનો સાચો ધરમ શીખવે                        છે આ જલનો કિનારો.

—“પાંધી સર”

“માનવ સેવા એ જ પ્રભુ સેવા” ના પરમ મંત્રને સાર્થક કરતો એક અભૂતોપૂર્વ જળસેવાનો યજ્ઞ સાવરકુંડલાની પવિત્ર ધરતી પર છેલ્લા ચાર દાયકાથી અવિરતપણે ચાલી રહ્યો છે. શહેરના મધ્યભાગમાં આવેલું પ્રખ્યાત ‘ઉતાવળ હનુમાન પાણીનું પરબ’ વર્ષ ૧૯૮૬થી શરૂ કરીને આજે સતત ૪૦માં વર્ષે પણ કોઈપણ અટકાવ વગર, બારેમાસ અને ૩૬૫ દિવસ ચોવીસે કલાક શુદ્ધ અને ઠંડા પાણીની અમૃતધારા વરસાવી રહ્યું છે.

​આ લોકઉપયોગી પરબની સ્થાપના પરમ સેવાભાવી અને દયાળુ વ્યક્તિત્વ ધરાવતા સ્વ. શ્રી મામૈયાભાઈ રામભાઇ સિંધવ દ્વારા કરવામાં આવી હતી. પિતાએ વાવેલા આ પુણ્યના બીજને આજે તેમના સુપુત્ર શ્રી અજયભાઈ મામૈયાભાઈ સિંધવ એટલી જ શ્રદ્ધા, નિષ્ઠા અને અખંડ સમર્પણ ભાવથી આગળ ધપાવી રહ્યા છે. ઋતુ કોઈ પણ હોય શિયાળો, ચોમાસું કે ઉનાળો આ પરબ ક્યારેય બંધ થતું નથી.

​જ્યારે ઉનાળાના દિવસોમાં આકાશમાંથી અગનગોળા વરસતા હોય અને તાપમાનનો પારો ૪૪ થી ૪૫ ડિગ્રી જેવી ભયાનક સપાટીએ પહોંચી જાય છે, ત્યારે સામાન્ય માણસ માટે રસ્તા પર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં આ પરબ સાવરકુંડલાની જનતા અને વટેમાર્ગુઓ માટે સાક્ષાત આશીર્વાદ સમાન સાબિત થાય છે. ધોમધખતા તાપમાં તરસથી વ્યાકુળ બનેલા લોકો જ્યારે અહીંનું શીતળ જળ ગ્રહણ કરે છે, ત્યારે તેમના મુખમાંથી આપોઆપ ધન્યતાનો ભાવ અને આશીર્વાદ સરી પડે છે.

ભૌગોલિક દ્રષ્ટિએ આ પાણીનું પરબ સાવરકુંડલાના એકદમ વ્યસ્ત અને હૃદય સમાન સેન્ટર વિસ્તારમાં આવેલું છે. આ પરબની ચારેય બાજુએ ગુરૂકુળ, દેવળા ગેઈટ, કે.કે. હાઈસ્કૂલ, હાથસણી રોડ અને મેઘજી પેથરાજ છાત્રાલય જેવા અતિ મહત્વના જોડાણ રસ્તાઓ આવેલા છે, જેના કારણે અહીં ચોવીસ કલાક લોકોની ભારે અવરજવર રહે છે.

​આ પવિત્ર પરબ પર જ્ઞાતિ, જાતિ કે ધર્મના કોઈ જ ભેદભાવ વિના, સમાજના તમામ ૧૮ વર્ણના માનવીઓ એક સમાન ભાવે પાણી પીને વિસામો લે છે. શાળાએથી છૂટીને બપોરના સમયે ધોમધખતા તાપમાં ઘરે પરત ફરતા નાના-નાના ભૂલકાઓ હોય, કે બજારમાંથી થાકેલા-પાકેલા વડીલો હોય—દરેક વ્યક્તિ અહીં ઠંડુ પાણી પીને જીવમાં જીવ આવે તેમ પરમ શાંતિનો ‘હાશકારો’ અનુભવે છે.

​આજના વ્યવસાયિક યુગમાં પણ છેલ્લા ૪૦ વર્ષથી કોઈપણ અપેક્ષા વગર નિરંતર ચાલતી આ જળસેવા સાવરકુંડલાની જનતા માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ છે. સિંધવ પરિવારની આ અનોખી અને પવિત્ર અવિરત જળસેવા બદલ સમગ્ર સાવરકુંડલા પંથકની જનતા, વ્યાપારી મંડળો અને વડીલો હૃદયપૂર્વક આ સેવાકાર્યને બિરદાવી રહ્યા છે

Related Posts