અમરેલી

અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ઓનલાઇન સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી

વસ્તી ગણતરી -૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. તેથી દરેક નાગરિકની સાચી અને સંપૂર્ણ માહિતી “વિકસિત ભારત”ના નિર્માણમાં અત્યંત મહત્વપૂર્ણ છે.

ગુજરાત રાજ્યમાં જન ગણતા – ૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (Self Enumeration)પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. હવે જન ગણનામાં સહભાગી થવું વધુ સરળ, સ્માર્ટ અને સુવિધાજનક બન્યું છે. અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે જાતે સ્વ-ગણતરી કરી અને જન ગણના માટેની પ્રક્રિયા કરી હતી.

આ અંગે અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, તા. ૧૭ મે થી ૩૧ મે, ૨૦૨૬  દરમિયાન, રોજના ૨૪  કલાક, ગુજરાતના અને દેશના કોઈપણ ખૂણેથી આપ hppts://se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકશો.

તેમણે વધુમાં જણાવ્યું કે, “મોબાઇલ અથવા કમ્પ્યુટર દ્વારા ઘેર બેઠા જ થોડી જ મિનિટોમાં આપના વર્તમાન રહેઠાણ તથા પરિવારની વિગતો સરળતાથી નોંઘી શકશો. સ્વ-ગણતરી માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર રહેશે નહીં. સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ આપને એક યુનિક SEID પ્રાપ્ત થશે. ત્યારબાદ ગણતરીદાર આપના ઘરે મુલાકાતે આવે ત્યારે માત્ર SEID દર્શાવી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાશે.”

આ પ્રક્રિયા અંગે પોતાનો અનુભવ વર્ણવતા તેમણે ઉમેર્યું કે, “મેં પણ સ્વ-ગણતરી કરી છે. આ પ્રક્રિયા ખૂબ જ સરળ, ઝડપી અને સુરક્ષિત છે, જે થોડા જ સમયમાં સહેલાઈથી પૂર્ણ થઈ જાય છે. સ્વ-ગણતરી કરવા અંગે કોઈપણ મુંજવણ કે મુશ્કેલી અનુભવો તો ટોલ ફ્રી નંબર ૧૮૫૫ પર ફોન કરી મદદ મેળવી શકો છો.”

તેમણે અમરેલી જિલ્લાના નાગરિકોને આ પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સક્રિય સહભાગી બની સાચી માહિતી દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં આપનું અમૂલ્ય યોગદાન આપશો.

Related Posts