અમરેલી

અમરેલી જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને જિલ્લા પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને આજરોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પ્રભારી અને કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સર્વશ્રી જે.વી.કાકડીયા, શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દક્ષાબેન ચોડવડીયા, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ સહિત પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ જોડાયા હતા.

જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન થયેલ વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સતત અને અવિરત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ધારી, ચલાલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, લીલીયા વિસ્તારમાં વધુ વરસાદ નોંધાયો છે. પાણી ભરાવાની સ્થિતિમાં અત્યારસુધીમાં લીલીયા તાલુકાના બવાડી ગામે કુલ ૮ લોકો જે ફસાયેલ હતા, તેમનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. ધારીના મીઠાપુર, ડુંગરી, ચલાલામાં ૧૦ જેટલા લોકો તથા કથીવદર મુકામે ૧૨ લોકો ફસાયા હતા, તેમનું પણ રેસ્કયુ કરીને તેમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. એન.ડી.આર.એફ અને ફાયર વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં જિલ્લામાં કુલ ૦૨ માનવમૃત્યુ અને ૦૪ પશુ મૃત્યુના બનાવ બન્યા છે. ઉપરાંત વરસાદની સ્થિતિના પગલે કુલ ૧૨ કાચા મકાનોને નુકશાન પહોંચ્યુ છે.

જિલ્લામાં તા. ૦૫ જુલાઈના રોજ થયેલ વરસાદની સ્થિતિના પગલે માર્ગ અને મકાન રાજ્ય હસ્તકના કુલ ૧૨ રોડ બંધ થયેલ હતા. જેમાંથી હાલ ઓવરટેપિંગના કારણે ચાંચ-ખેરા-પટવા-સમઢિયાળા એક જ રોડ બંધ છે. ઉપરાંત તા. ૦૬ જુલાઈના રોજ પડેલ વરસાદના કારણે કુલ ૦૫ રસ્તા બંધ થયેલ હતા. જેમાંથી ૦૨ રોડ પૂર્વવત શરૂ થયા છે. આજની સ્થિતિએ હવે કુલ ૦૬ રોડ બંધ છે. જેમાં કાતર કોટડી અગરિયા રોડ, ચાંચ-ખેરા-પટવા-સમઢિયાળા, ચલાલા-ગરમલી-ચરખા રોડ, બાબરા-દરેડ-નાની કુંડળ રોડ, સેલના ફિફાદ-લુવારા-શેત્રુંજી બ્રિજ, લાઠી-લીલીયા રોડ બંધ છે. ઉપરાંત વરસાદના કારણે નુકશાન થયેલ રોડ-રસ્તાની મરામતની કામગીરી પૂરજોશમાં શરૂ છે. હાલ કુલ ૧૦ ટીમ વિવિધ તાલુકામાં સતત કાર્યરત છે અને કામગીરી આગળ ધપી રહી છે.

વરસાદની સ્થિતિના પગલે માર્ગ અને મકાન પંચાયત હસ્તકના વિવિધ રોડ રસ્તા જે બંધ થયેલ છે તેને પૂર્વવત કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સાથે મરામત યોગ્ય રસ્તાઓની મરામતની કામગીરી પણ ઝડપભેર કરવામાં આવશે.

પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં વરસાદની સ્થિતિના પગલે ક્ષતિગ્રસ્ત માર્ગોનું મરામત કાર્ય ઝડપથી થાય તે બાબતે સંકલન સાથે કામગીરી કરવામાં આવે અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. ઉપરાંત લોકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારે મદદ કરવાની ભાવના સાથે આપત્તિ વ્યવસ્થાપન પ્રક્રિયા આગળ વધારવામાં આવે. મંત્રીશ્રીએ સમગ્ર જિલ્લાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને દરેક બાબતે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી. સર્વ ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ સહિત સમગ્ર ટીમ એક થઈને આપત્તિ વ્યવસ્થાપન કામગીરી ઝડપભેર આગળ વધારી રહી છે, જેના માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.

ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, રાજુલા-જાફરાબાદ સહિતના વિસ્તારોમાં જ્યાંપણ વરસાદના કારણે વીજપોલ ધરાશાયી થયા છે તેને ત્વરાએ પુન: કાર્યરત કરીને વીજ પુરવઠો જલ્દીથી પૂર્વવત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં જળસિંચન વિભાગ હેઠળ કુલ ૧૦ સિંચાઈ યોજનાઓ-ડેમ કાર્યરત છે. જેમાં વરસાદના કારણે પાણીની આવક વધતા ડેમનું રૂલ લેવલ, ઓવરફ્લો સહિતની સૂચનાઓ ત્વરિત પાસ કરવામાં આવી હતી અને અસરગ્રસ્ત ગામોને પણ અગાઉથી જ સચેત કરવામાં આવ્યા હતા. સાથે તમામ ડેમ સાઈટ ઉપર રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. હાલમાં આજની સ્થિતિએ ધાતરવડી -૧ ડેમ ૨.૫ ફૂટ ઓવરફ્લો, ખોડીયાર – ૨ દરવાજા ૦.૫ ફૂટ, ઠેબી ૬ દરવાજા ૩ ફૂટ, રાયડી ૧ દરવાજો ૧ ઈંચ, સુરજવડી ૧ ફૂટ ઓવરફ્લો, ધાતરવડી-૨ ૧૦ દરવાજા ૨ ફૂટ સુધી ખુલ્લા છે. સિંચાઈ યોજના-ડેમના રૂલ લેવલ જાળવવામાં માટેની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં તમામ ડેમ સલામત છે.

જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને જિલ્લા પ્રભારીમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલ વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકમાં સર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિતના હોદ્દેદારો, તાલુકા પંચાયત હોદ્દેદારો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે.જાડેજા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટરશ્રી ગોહિલ, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી હર્ષિતા ગોયલ, અમરેલી પ્રાંત અધિકારીશ્રી નાકીયા, માર્ગ અને મકાન રાજ્ય અમરેલીના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી હેતત્સવ ધોલાવાલા, માર્ગ અને મકાન પંચાયતના અધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ તથા જિલ્લાના સર્વ પ્રાંત અધિકારીશ્રીઓ-મામલતદારશ્રીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.

Related Posts